બાંગ્લાદેશમાં 12 ફેબ્રુઆરીએ યોજાનારી સામાન્ય ચૂંટણી પહેલા રાજકીય અશાંતિ વધુ તેજ બની રહી છે. ચૂંટણી પરિણામો જાહેર થાય તે પહેલાં જ મુહમ્મદ યુનુસ સરકારના અનેક મંત્રીઓ અને સલાહકારો દેશ છોડવાની તૈયારીમાં હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ સમગ્ર મામલો રાજદ્વારી પાસપોર્ટ અને વિઝા અરજી સાથે જોડાયેલો હોવાથી તેને ખૂબ ગંભીર રીતે જોવામાં આવી રહ્યો છે.

 એકસાથે પોતાના રાજદ્વારી પાસપોર્ટ સરકાર પાસે જમા

અહેવાલો અનુસાર, યુનુસ સરકારના ઘણા સલાહકારોએ એકસાથે પોતાના રાજદ્વારી પાસપોર્ટ સરકાર પાસે જમા કરાવ્યા છે. સામાન્ય રીતે મંત્રીઓ અથવા ઉચ્ચ અધિકારીઓ પદ છોડ્યા પછી જ આવા પાસપોર્ટ સોંપે છે, પરંતુ ચૂંટણી પહેલા આ પગલું ભરવામાં આવતાં રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે કે શું આ મંત્રીઓ “સલામત બહાર નીકળવા” માટે તૈયારી કરી રહ્યા છે.

મંત્રીઓ હજી પણ પાસપોર્ટ જમા કરાવ્યા નથી

એક અહેવાલ મુજબ, કેટલાક મંત્રીઓ વિદેશ પ્રવાસ માટે સરળતાથી વિઝા મેળવવા માટે પોતાના રાજદ્વારી પાસપોર્ટ સબમિટ કરી રહ્યા છે. વિદેશ બાબતોના સલાહકાર તૌહીદ હુસૈને પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું કે વિઝા અરજી માટે રાજદ્વારી પાસપોર્ટ જમા કરાવવો ફરજિયાત છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે તમામ મંત્રીઓએ હજુ સુધી પોતાના પાસપોર્ટ જમા કરાવ્યા નથી.

15 ફેબ્રુઆરી સુધી ચૂંટણી પરિણામો જાહેર થવાની સંભાવના

હાલ સુધીમાં નાણાં સલાહકાર ડૉ. સલેહુદ્દીન અહેમદ એ પોતાનો પાસપોર્ટ સબમિટ કર્યો હોવાની ખુલ્લેઆમ સ્વીકાર્યું છે. તેમના ઉપરાંત સલાહકાર મોહમ્મદ ફૌઝુલ કબીર ખાન પણ આ પ્રક્રિયામાં સામેલ હોવાનું કહેવાય છે. જોકે, વિદેશ મંત્રીએ સ્પષ્ટ કર્યું નથી કે કોણ રાજીનામું આપવા તૈયાર છે અને કોણ નહીં. બાંગ્લાદેશમાં 15 ફેબ્રુઆરી સુધી ચૂંટણી પરિણામો જાહેર થવાની સંભાવના છે. તે પછી નવી સરકાર રચવાની પ્રક્રિયા શરૂ થશે. આવી સ્થિતિમાં મંત્રીઓ દ્વારા લેવામાં આવતાં આ પગલાં એ શંકા મજબૂત કરે છે કે તેઓ ચૂંટણી પરિણામો પછી ઉભી થનારી પરિસ્થિતિથી બચવા માંગે છે.

બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (BNP)ના નિશાન પર

રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે યુનુસ સરકારના ઘણા સલાહકારો તારિક રહેમાનની આગેવાની હેઠળની બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (BNP)ના નિશાન પર છે. મોટાભાગના સર્વેક્ષણોમાં BNPની જીતની આગાહી થઈ રહી છે. પરિણામે, યુનુસ સરકારના જે સલાહકારો BNPના કટ્ટર વિરોધી રહ્યા છે, તેઓ હવે પોતાની સુરક્ષા અંગે ચિંતિત છે.

આ સલાહકારોને નિશાન બનાવવામાં આવ્યા

BNP દ્વારા મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ, સંરક્ષણ સલાહકાર ખલીલુર રહેમાન, નાણાં સલાહકાર સલેહુદ્દીન અહેમદ, આયોજન સલાહકાર વાહિદુદ્દીન મહમૂદ અને કાનૂની સલાહકાર આસિફ નજરુલને નિશાન બનાવવામાં આવ્યા હોવાનું કહેવાય છે. નોંધનીય છે કે 2024માં રચાયેલી યુનુસ સરકારના ચાર સલાહકારોને પહેલાથી જ પદ પરથી દૂર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : India Russia oil : શું ટ્રમ્પના દાવા છતાં ભારત રશિયા પાસેથી તેલ ખરીદશે? વિદેશ મંત્રાલયે શું આપ્યો જવાબ જાણો