મહારાષ્ટ્રના બારામતીમાં થયેલા અત્યંત દુર્ભાગ્યપૂર્ણ વિમાન અકસ્માતે સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ અકસ્માતમાં રાજ્યના ઉપમુખમંત્રી અજિત પવાર સહિત કુલ 5 લોકોના કરુણ મોત નિપજ્યા છે. આ ઘટના બાદ એવિએશન સેફ્ટી અને વિમાનના મેન્ટેનન્સ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે, ત્યારે વિમાનનું સંચાલન કરતી કંપની VSR વેન્ચર્સના માલિક વિજય કુમાર સિંહે મૌન તોડ્યું છે.


લેન્ડિંગનો પ્રયાસ કરી રહ્યું હતું ત્યારે તે અકસ્માતનો ભોગ બન્યું

મળતી માહિતી અનુસાર, ચાર્ટર વિમાન જ્યારે લેન્ડિંગનો પ્રયાસ કરી રહ્યું હતું ત્યારે તે અકસ્માતનો ભોગ બન્યું હતું. વિજય સિંહે જણાવ્યું કે, લેન્ડિંગનો અંતિમ નિર્ણય પાઈલટનો જ હોય છે. પાઈલટે પ્રથમ રન-વે 29 પરથી ઉતરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળતા ન મળતા તેમણે ફરી પ્રયાસ કર્યો અને રન-વે 11 પરથી એપ્રોચ લીધો હતો. આ પ્રક્રિયા દરમિયાન કંઈક અઘટિત બન્યું અને વિમાન ક્રેશ થઈ ગયું. કંપનીના માલિકના મતે, શક્ય છે કે ખરાબ હવામાન કે અન્ય કારણોસર પાઈલટને રન-વે સ્પષ્ટ દેખાયો ન હોય.

જીવ ગુમાવનાર પાઈલટો અત્યંત કુશળ અને અનુભવી હતા

અકસ્માતમાં જીવ ગુમાવનાર પાઈલટો અત્યંત કુશળ અને અનુભવી હતા. કેપ્ટન સુમિત કપૂર પાસે 16,000 કલાકથી વધુનો ઉડાન અનુભવ હતો અને તેઓ જેટ એરવેઝ જેવી મોટી કંપનીઓમાં સેવા આપી ચૂક્યા હતા. જ્યારે કો-પાઈલટ શાંભવી પાઠક પાસે પણ 1,500 કલાકનો અનુભવ હતો. વિજય સિંહે પાઈલટો સાથેના પોતાના અંગત સંબંધો યાદ કરતા ભાવુક થઈને કહ્યું કે, તેઓ મારા પરિવાર સમાન હતા. તેમણે મક્કમતાથી જણાવ્યું કે વિમાનમાં કોઈ ટેકનિકલ ખામી નહોતી અને તેનું મેન્ટેનન્સ નિયમિત થતું હતું.

'વિમાન ગ્રાઉન્ડ કેમ કરું?' – માલિકનો બચાવ

જ્યારે કંપનીના વિમાનોની સુરક્ષા પર સવાલ ઉઠાવવામાં આવ્યા, ત્યારે વિજય સિંહે સ્પષ્ટ કર્યું કે, અમારા બધા વિમાનો સુરક્ષિત છે, તો પછી હું તેમને ગ્રાઉન્ડ (ઉડાન બંધ) કેમ કરું?" તેમણે 2023માં મુંબઈમાં થયેલા અગાઉના અકસ્માતને વર્તમાન ઘટના સાથે જોડવાનો ઈનકાર કર્યો હતો. તેમના મતે, તે ઘટના વરસાદ અને ઓછી વિઝિબિલિટીને કારણે થયેલું 'રન-વે એક્સકર્ઝન' હતું, જે આજના કિસ્સાથી અલગ છે.

નેતાઓએ આ ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી

આ દુર્ઘટનામાં અજિત પવાર ઉપરાંત તેમના PSO વિદિપ જાધવ, અટેન્ડન્ટ પિંકી માલી અને બંને પાઈલટોએ જીવ ગુમાવ્યો છે. મમતા બેનર્જી અને અખિલેશ યાદવ સહિતના નેતાઓએ આ ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી છે. હાલમાં DGCA અને ફોરેન્સિક ટીમો ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરી રહી છે. બ્લેક બોક્સ મળ્યા બાદ જ ખબર પડશે કે અંતિમ ક્ષણોમાં વિમાનમાં શું ખામી સર્જાઈ હતી અથવા કઈ પરિસ્થિતિને કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો. આ ઘટનાએ ફરી એકવાર નાના ચાર્ટર પ્લેન્સની સુરક્ષા અને પ્રાદેશિક એરપોર્ટ્સ પર લેન્ડિંગની સુવિધાઓ સામે પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યું છે.

આ પણ વાંચોઃ Ajit Pawar Family Tree: શૂન્યમાંથી સર્જન કરનાર અજીત પવારના પરિવારમાં કોણ કોણ છે? જાણો કોની સાથે સૌથી નજીક રહ્યા


  • Follow us on: