બુધવારે સવારે મહારાષ્ટ્રના બારામતી ખાતે એક ગંભીર વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. NCP નેતા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારને લઈ જતું ખાનગી ચાર્ટર્ડ વિમાન લેન્ડિંગ કરવાનો પ્રયાસ કરતી વખતે ક્રેશ થયું. આ ભયાનક અકસ્માતમાં અજિત પવાર સહિત કુલ પાંચ લોકોનાં મોત થયા હોવાનું અધિકૃત રીતે જાહેર કરવામાં આવ્યું છે.
ચૂંટણી પ્રચાર માટે બારામતી જઈ રહ્યા હતા
પ્રાપ્ત માહિતી અનુસાર, અજિત પવાર ચૂંટણી પ્રચાર માટે બારામતી જઈ રહ્યા હતા. લેન્ડિંગ દરમિયાન વિમાન અચાનક નિયંત્રણ ગુમાવી બેઠું અને થોડી જ ક્ષણોમાં દુર્ઘટનાનો શિકાર બન્યું. હાલ સુધી આ સ્પષ્ટ નથી થયું કે આ અકસ્માત ટેકનિકલ ખામીના કારણે થયો કે પછી ક્રેશ લેન્ડિંગની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાના તરત બાદ વિમાનમાં ભીષણ આગ લાગી હતી અને આખું વિમાન સંપૂર્ણપણે બળી ગયું હતું.
ત્રણ દાયકાથી વધુ સમયનો
અજિત પવાર અને બારામતીનો સંબંધ લગભગ ત્રણ દાયકાથી વધુ સમયનો રહ્યો છે. તેમની રાજકીય ઓળખ બારામતી સાથે અતૂટ રીતે જોડાયેલી હતી. સ્થાનિક લોકો તેમને પ્રેમથી “દાદા” કહીને ઓળખતા હતા. વર્ષ 1991માં તેમણે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી અને ત્યારબાદ બારામતી તેમની રાજકીય શક્તિનું કેન્દ્ર બન્યું.
બારામતી મતવિસ્તારનું પ્રતિનિધિત્વ
મહારાષ્ટ્ર વિધાનસભાની તેમની પહેલી ચૂંટણીથી લઈને અત્યાર સુધી તેમણે બારામતી મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેઓ સતત 8 વખત આ બેઠક પરથી વિજેતા બન્યા હતા. 2024ની વિધાનસભા ચૂંટણીમાં પણ તેમણે જીત મેળવી હતી, જે તેમની લોકપ્રિયતાનું પ્રતિબિંબ હતી.
અજિત પવાર માટે વિકાસનું મોડેલ
બારામતી માત્ર એક મતવિસ્તાર નહીં, પરંતુ અજિત પવાર માટે વિકાસનું મોડેલ બની ગયું હતું. સિંચાઈ યોજનાઓ, રસ્તાઓ, શિક્ષણ સંસ્થાઓ, આરોગ્ય સુવિધાઓ અને સહકારી ક્ષેત્રમાં મોટા પાયે વિકાસ થયો હતો. બારામતીને “મોડેલ મતવિસ્તાર” તરીકે ઓળખ આપવામાં અજિત પવારની મહત્ત્વની ભૂમિકા રહી હતી.
અજિત પવારનો પ્રભાવ ખૂબ મજબૂત
સહકારી ક્ષેત્રમાં પણ અજિત પવારનો પ્રભાવ ખૂબ મજબૂત રહ્યો હતો. ખાસ કરીને ખાંડ મિલો અને ગ્રામિણ બેંકિંગ ક્ષેત્રમાં તેમણે ઊંડું કામ કર્યું. તેઓ 1991થી 2007 સુધી કુલ 16 વર્ષ સુધી પુણે જિલ્લા મધ્ય સહકારી બેંકના ચેરમેન રહ્યા હતા. આ સમયગાળા દરમિયાન તેમણે સંસ્થાઓને મજબૂત અને કાર્યક્ષમ બનાવી.
સરકાર દ્વારા ત્રણ દિવસનો રાજ્ય શોક
અજિત પવારના અવસાન બાદ મહારાષ્ટ્ર સરકાર દ્વારા ત્રણ દિવસનો રાજ્ય શોક જાહેર કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ દુર્ઘટનાને મહારાષ્ટ્ર માટે અપૂરવ નુકસાન ગણાવ્યું. તેમણે PM નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને ફોન કરીને ઘટનાની જાણકારી આપી હતી. નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પણ ઘટનાની સંપૂર્ણ તપાસ કરવાની માંગ કરી છે. આ દુર્ઘટનાએ મહારાષ્ટ્રના રાજકારણમાં એક મોટું ખાલીપું સર્જ્યું છે. બારામતી અને અજિત પવારની ત્રણ દાયકાની રાજકીય સફરનો આજે એક દુઃખદ અને કરુણ અંત આવ્યો છે.
આ પણ વાંચો : Baramati plane crash : અજિત પવાર વિમાન દુર્ઘટના કેસમાં અત્યાર સુધી શું ખુલાસો થયો છે? જાણો સંપૂર્ણ વિગતો