કર્ણાટકની રાજધાની બેંગલુરુમાંથી એક અત્યંત ચોંકાવનારો અને હ્રદય કંપાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં રાજાજીનગર વિસ્તારમાં એક કેબ ડ્રાઈવરે પોતાની પત્ની અને તેના પરિવારના સાત સભ્યોની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી છે. આ ભયાનક સામૂહિક હત્યાકાંડથી આખો વિસ્તાર હચમચી ગયો છે. પોલીસે મુખ્ય આરોપી અને કેબ ડ્રાઈવર ઈન્દુ શેખરની ધરપકડ કરી છે અને તેની કડક પૂછપરછ હાથ ધરી છે.
ઘરકંકાસ બન્યો હત્યાનું કારણ
પ્રાથમિક તપાસ મુજબ, આખી ઘટના પાછળ ઘરેલુ ઝઘડો મુખ્ય કારણ હોવાનું બહાર આવ્યું છે. આરોપી ઈન્દુ શેખર તેની પત્ની સુનિતાના વર્તનથી ભારે નારાજ હતો. જ્યારે પણ તે પોતાની પત્નીની ફરિયાદ તેની સાસુ કે સાળાઓને કરતો, ત્યારે તેઓ સુનિતાનો જ પક્ષ લેતા હતા. આ ઉપરાંત, પત્ની તેના પરિવારના સતત સંપર્કમાં રહેતી હોવાથી આરોપીના મનમાં રોષ ભરાયો હતો અને આ ગુસ્સામાં તેણે આ પૂર્વયોજિત હત્યાકાંડને અંજામ આપ્યો.
આરોપીએ ખૂબ ચાલાકીથી કરી હત્યા
આરોપીએ ખૂબ જ ચાલાકીથી અને યોજનાબદ્ધ રીતે એક પછી એક તમામ હત્યાઓ કરી. તેણે સૌપ્રથમ પોતાની પત્ની સુનિતાની હત્યા કરી. ત્યારબાદ, પાર્ટીના બહાને તેના બે સાળાઓને પોતાના ઘરે બોલાવીને તેમને મોતને ઘાટ ઉતાર્યા. આટલું જ નહીં, તેણે બાદમાં તેમની પત્નીઓ, સાસુ અને માત્ર સાત વર્ષના માસૂમ બાળકને પણ ક્રૂરતાથી મારી નાખ્યા. આરોપીએ પીડિતોની હત્યા કરવા માટે પથ્થર જેવા ભારે હથિયારનો ઉપયોગ કર્યો હોવાની શંકા છે. હત્યા કર્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે તેણે મૃતદેહોને પોતાની કારમાં ભરીને જુદી-જુદી જગ્યાએ ફેંકી દીધા હતા અને ઘરમાંથી લોહીના ડાઘ સાફ કરવા માટે રસાયણોનો ઉપયોગ કર્યો હતો.
આરોપીએ પોલીસ સમક્ષ કરી હત્યાની કબૂલાત
આ ભયાનક રહસ્ય ત્યારે બહાર આવ્યું જ્યારે શ્રીરામપુરા પોલીસ સ્ટેશનમાં ગુમ થયા અંગેની ફરિયાદ નોંધાઈ. પોલીસે જ્યારે શંકાના આધારે આરોપી ઈન્દુ શેખરની પૂછપરછ કરી, ત્યારે તેના વિરોધાભાસી જવાબોને કારણે આ કાળજું કંપાવનારું સત્ય બહાર આવ્યું. આરોપીએ પોલીસ સમક્ષ સાત લોકોની હત્યા કર્યાની કબૂલાત પણ કરી લીધી છે.
ઘટનાએ દેશને હચમચાવી નાખ્યો
પોલીસે નંદી હિલ્સની તળેટીમાં ચલાવેલા ચાર કલાકના સર્ચ ઓપરેશન દરમિયાન સાત વર્ષના માસૂમ પુનીતનો મૃતદેહ શોધી કાઢ્યો છે. જોકે, આરોપીએ સાત હત્યાઓની કબૂલાત કરી હોવા છતાં પોલીસને હજુ સુધી માત્ર એક જ મૃતદેહ હાથ લાગ્યો છે. બાકીના મૃતદેહોને શોધી કાઢવા માટે પોલીસની અલગ-અલગ ટીમો સઘન શોધખોળ કરી રહી છે. આ ઘટનાએ સમગ્ર દેશમાં સનસનાટી મચાવી દીધી છે.
આ પણ વાંચોઃ