કર્ણાટકની રાજધાની બેંગલુરુના બહારના વિસ્તારમાં શનિવારે મધ્યરાત્રિએ એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. શહેરની ભાગોળે આવેલા નેલમંગલા પાસે એક તેજ ગતિએ જતી કાર અને કર્ણાટક રાજ્ય માર્ગ પરિવહન નિગમ (KSRTC) ની બસ વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં પાંચ યુવાનોના કરુણ મોત નિપજ્યા છે.

અકસ્માતમાં પાંચ મિત્રોના મોત

પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માત શનિવારે મોડી રાત્રે થયો હતો. કાર બેંગલુરુ તરફ જઈ રહી હતી ત્યારે ડ્રાઈવરે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. કાર એટલી હાઈસ્પીડમાં હતી કે તે રોડ પરના ડિવાઈડર સાથે અથડાઈને તેને ઓળંગી ગઈ હતી અને સામેની લેનમાં ઘૂસી ગઈ હતી. બરાબર એ જ સમયે સામેથી આવી રહેલી KSRTC ની બસ સાથે કારની સીધી ટક્કર થઈ હતી. ટક્કરની તીવ્રતા એટલી ગંભીર હતી કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. કારમાં સવાર પાંચ મિત્રોમાંથી ચાર લોકોએ ઘટનાસ્થળે જ દમ તોડ્યો હતો, જ્યારે એક યુવાનને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું પણ મૃત્યુ થયું હતું.

ભોગ બનનાર તમામ યુવાનો

આ અકસ્માતમાં જાન ગુમાવનાર તમામ મૃતકોની ઉંમર માત્ર 17 થી 22 વર્ષ વચ્ચેની હતી. તેઓ ડોડ્ડાબલ્લાપુરાના રહેવાસી હતા અને મિત્રો હતા. સદનસીબે, બસમાં સવાર તમામ 43 મુસાફરો સુરક્ષિત છે અને તેમને નજીવી ઈજાઓ પહોંચી છે. અકસ્માત બાદ મુસાફરોને બીજી બસ દ્વારા તેમના ગંતવ્ય સ્થાને મોકલવામાં આવ્યા હતા.

માતાએ પોતાના જુવાનજોધ દીકરા ગુમાવ્યા

મૃતકોમાંના એક યુવાનની માતાએ રડતા રડતા જણાવ્યું કે, તેનો પુત્ર સીસીટીવી કેમેરા ઓપરેટર તરીકે કામ કરતો હતો. તેણે ઘરેથી નીકળતી વખતે કહ્યું હતું કે તે મિત્રો સાથે મંદિરે જઈ રહ્યો છે અને પરત આવતા મોડું થશે. "મેં મારો જુવાનજોધ દીકરો ગુમાવ્યો છે, મને ખબર નથી કે તે કોની કારમાં ગયો હતો, એમ માતાએ ડૂસકાં ભરતા કહ્યું હતું.

પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી

જોઈન્ટ પોલીસ કમિશનર કાર્તિક રેડ્ડીએ જણાવ્યું હતું કે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે. ડ્રાઈવરે નશો કર્યો હતો કે કેમ તે ચકાસવા માટે બ્લડ સેમ્પલ FSL (Forensic Science Laboratory) માં મોકલવામાં આવ્યા છે. મદનાયકનહલ્લી પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ  Digital Arrest Scams:ડિજિટલ ઠગાઈનો આવશે અંત! સાયબર ક્રાઇમ રોકવા કેન્દ્ર સરકારનો માસ્ટર પ્લાન