ઓનલાઈન ગેમિંગનો કાળો પડછાયો હવે માસૂમ બાળકોના જીવન પર મંડરાઈ રહ્યો છે. તાજેતરમાં મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં માત્ર 14 વર્ષના વિદ્યાર્થીએ મોબાઈલ ગેમની લતના કારણે આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાએ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં બનેલી ત્રણ બહેનોની આત્મહત્યાની યાદ તાજી કરી દીધી છે.

ધોરણ 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ કર્યો આપઘાત

મૃતક વિદ્યાર્થીની ઓળખ 14 વર્ષીય અંશ સાહૂ તરીકે થઈ છે, જે ધોરણ 8 માં અભ્યાસ કરતો હતો. અંશ તેના માતા-પિતાનો એકમાત્ર પુત્ર હતો. ઘટના સમયે તેના માતા-પિતા એક સામાજિક પ્રસંગમા ગયા હતા અને અંશ ઘરે એકલો હતો. જ્યારે પરિવારજનો ઘરે પરત ફર્યા ત્યારે તેમણે પુત્રને ફાંસીના ફંદે લટકતો જોયો હતો. આ દ્રશ્ય જોઈને પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

'બ્લૂ વ્હેલ' ગેમનો શિકાર હોવાની આશંકા

મળતી માહિતી પ્રમાણે ઘટનાસ્થળેથી કોઈ સ્યુસાઈડ નોટ મળી નથી, પરંતુ પોલીસને અંશનો મોબાઈલ ફોન મળી આવ્યો છે. પરિવારજનોએ પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું છે કે અંશ છેલ્લા કેટલાક સમયથી બ્લૂ વ્હેલ જેવી ખતરનાક ઓનલાઈન ગેમ રમવાનો આદી બની ગયો હતો. આ ગેમમાં મળતા ડરામણા ટાસ્ક અને તે પૂરા કરવાના માનસિક દબાણ હેઠળ અંશે આ અંતિમ પગલું ભર્યું હોવાની આશંકા સેવાઈ રહી છે.

પોલીસ તપાસ શરૂ

પિપલાની પોલીસ સ્ટેશન દ્વારા આ મામલે કેસ નોંધી તપાસ તેજ કરવામાં આવી છે. અંશની માતાએ તેને મોબાઈલના વધુ પડતા ઉપયોગ બદલ ઠપકો પણ આપ્યો હતો. પોલીસ હવે મોબાઈલ ફોનનું ફોરેન્સિક પરીક્ષણ કરી રહી છે જેથી જાણી શકાય કે તેને આત્મહત્યા માટે કોઈએ ઉશ્કેર્યો હતો કે ગેમના કોઈ ચોક્કસ પડકારે તેને મજબૂર કર્યો હતો. આ ઘટના ફરી એકવાર વાલીઓ માટે ચેતવણીરૂપ છે કે તેઓ પોતાના બાળકોની ઓનલાઈન ગતિવિધિઓ પર નજર રાખે અને તેમને ડિજિટલ દુનિયાના જોખમોથી સુરક્ષિત રાખે.

આ પણ વાંચોઃ US-Mexico Water Deal: ટ્રમ્પની ટેરિફ ધમકી બાદ ઝૂક્યું મેક્સિકો, દર વર્ષે નક્કી માત્રામાં USને આપશે પાણી