બિહારની રાજધાની પટનાના પ્રખ્યાત શિક્ષક ખાન સર (ફૈઝલ ખાન) હાલમાં ગંભીર કાનૂની મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. પટના પોલીસે તેમની ધરપકડ માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. કદમકુઆન પોલીસ સ્ટેશનમાં ખાન સર વિરુદ્ધ આર્મ્સ એક્ટ અને હત્યાના પ્રયાસ (કલમ ૩૦૭) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી કોચિંગ સેન્ટરની બહાર થયેલા ફાયરિંગના વાયરલ વીડિયો બાદ કરવામાં આવી છે.


શું છે સમગ્ર ઘટના?

આ વિવાદની શરૂઆત ૨ જૂનની રાત્રે થઈ હતી, જ્યારે પટનામાં ખાન સરની કોચિંગ સંસ્થા 'ખાન ગ્લોબલ સ્ટડીઝ' (KGS) પર કેટલાક લોકોના ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા દરમિયાન કોચિંગના ગાર્ડને માર મારવામાં આવ્યો અને તોડફોડ કરવામાં આવી હતી. આ ઘટનામાં ખાન સરે જ્ઞાન બિંદુ કોચિંગના ડિરેક્ટર રોશન આનંદ અને તેમના સાથીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે રોશન આનંદની ધરપકડ કરી તેમને જેલ ભેગા કર્યા હતા.

તપાસમાં આવ્યો નવો વળાંક

કેસ ત્યારે વળાંક પર આવ્યો જ્યારે ૪ જૂનના રોજ કોચિંગની બહાર ફાયરિંગ કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો. આ વીડિયોમાં ખાન સરના બોડીગાર્ડ્સ ખુલ્લેઆમ ગોળીબાર કરતા નજરે પડ્યા હતા. પોલીસે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરીને બંને બોડીગાર્ડ્સની અટકાયત કરી હતી. પૂછપરછ દરમિયાન ગાર્ડ્સે કબૂલાત કરી હતી કે તેઓએ ખાન સરના આદેશ પર જ ફાયરિંગ કર્યું હતું. આ ખુલાસા બાદ પોલીસે બંને ગાર્ડની ધરપકડ કરી તેમના હથિયારો જપ્ત કર્યા છે અને હવે ખાન સરને આ કેસમાં મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા છે.

ખાન સરનો પક્ષ

પોલીસ દરોડા અને કાર્યવાહી સામે ખાન સરએ પોતાનો બચાવ કરતા આ સમગ્ર ઘટનાને 'સ્વ-બચાવ' ગણાવી છે. હાલ પટના પોલીસ દ્વારા તેમને પકડવા માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ આખા મામલે શિક્ષણ જગતમાં ભારે ચર્ચાઓ ચાલી રહી છે, કારણ કે એક બાજુ હુમલાખોરો પર કાર્યવાહી થઈ રહી છે, તો બીજી બાજુ ખાન સર પોતે જ હવે કાયદાકીય ગૂંચવણમાં ફસાયા છે.

આ પણ વાંચોઃ Tamil Nadu: ભાજપ છોડ્યા બાદ બોલ્યા અન્નામલાઇ, એકલા હાથે ચૂંટણી લડીશ, મતભેદને કારણે પાર્ટી છોડી....

  • Follow us on: