બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાંથી તબીબી જગતને કલંકિત કરતી અને હૃદય કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. અહીં આવેલી પ્રસાદ હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં વહેલી સવારે આશરે 3 વાગ્યે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દર્દનાક અકસ્માતમાં અત્યાર સુધીમાં 3 નિર્દોષ દર્દીઓના કરૂણ મોત થયા હોવાના અહેવાલ છે.
સ્ટાફ ભાગી છુટ્યો
પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું બહાર આવ્યું છે. પરંતુ સૌથી વધુ આઘાતજનક અને શરમજનક બાબત એ છે કે, આગ લાગતા જ હોસ્પિટલના ડોક્ટરો અને તમામ પેરામેડિકલ સ્ટાફ લાચાર દર્દીઓને આગની જ્વાળાઓમાં તડપતા છોડીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.
હોસ્પિટલ પરિસરમાં ભારે હોબાળો
આ અકસ્માત બાદ હોસ્પિટલ પરિસરમાં ભારે હોબાળો મચી ગયો હતો. હોસ્પિટલ પ્રશાસનની આ ગેર-માનવીય ક્રૂરતા સામે દર્દીઓના પરિજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એક પીડિત પરિજને રડતા રડતા આક્ષેપ કર્યો હતો કે તેમના પિતા ICUમાં દાખલ હતા અને સ્ટાફની બેદરકારીના કારણે તેઓ જીવતા સળગી ગયા. એટલું જ નહીં, હોસ્પિટલ સત્તાધીશોએ મૃતકોના મૃતદેહ સોંપવાની પણ તસ્દી લીધી ન હતી.
20થી વધુ દર્દીઓ ગંભીર રીતે દાઝી ગયા
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. અગ્નિશમન અધિકારીએ પણ પુષ્ટિ કરી છે કે જ્યારે તેમની ટીમ પહોંચી ત્યારે હોસ્પિટલનો કોઈ સ્ટાફ ત્યાં હાજર નહોતો. દમકલકર્મીઓએ જીવના જોખમે આઈસીયુ અને અન્ય વોર્ડની બારી-બારણાં તોડીને અંદર ફસાયેલા દર્દીઓનું રેસ્ક્યૂ કર્યું હતું. આ દુર્ઘટનામાં 20થી વધુ દર્દીઓ ગંભીર રીતે દાઝી ગયા છે અને ઈજાગ્રસ્તોની હાલત નાજુક હોવાથી મૃત્યુઆંક હજુ વધી શકે છે. મુઝફ્ફરપુરના જિલ્લાધિકારી સુબ્રત સેને 3 દર્દીઓના મોતની સત્તાવાર પુષ્ટિ કરી છે અને સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે.
આ પણ વાંચો---- Gujarat Latest News live : રાજ્યમાં વરસાદની આગાહી