બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારના પુત્ર નિશાંત કુમારે સત્તાવાર રીતે જનતા દળ યુનાઇટેડ (જેડીયુ)માં જોડાઈને પોતાના રાજકીય જીવનની શરૂઆત કરી છે. તેમના પ્રવેશ સાથે જ બિહારના રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની ગઈ છે. ઘણા વરિષ્ઠ નેતાઓની હાજરીમાં યોજાયેલા સમારોહમાં નિશાંત કુમારનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
“મને મારા પિતા પર ગર્વ છે''
પાર્ટીમાં જોડાયા બાદ નિશાંત કુમારે કહ્યું કે, “મને મારા પિતા પર ગર્વ છે. છેલ્લા 20 વર્ષમાં તેમણે બિહારના વિકાસ માટે ઘણું કામ કર્યું છે. હું તેમના કાર્યોને લોકો સુધી પહોંચાડવા માટે કામ કરીશ.” તેમણે પાર્ટીના કાર્યકરોને અપીલ કરી કે તેઓ નીતિશ કુમારમાં વિશ્વાસ જાળવી રાખે અને સંગઠનને વધુ મજબૂત બનાવે.
રાજ્યસભા માટે ચૂંટણી લડવાનો નિર્ણય
હકીકતમાં, નીતિશ કુમારે રાજ્યસભા માટે ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે અને પોતાનું નામાંકન પણ ભર્યું છે. આ નિર્ણય બાદ રાજકીય પરિસ્થિતિમાં કેટલાક ફેરફારો જોવા મળી રહ્યા છે. આવી સ્થિતિમાં નિશાંત કુમારનો રાજકારણમાં પ્રવેશ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
સમગ્ર બિહાર રાજ્યનો પ્રવાસ
નિશાંત કુમાર હવે સમગ્ર બિહાર રાજ્યનો પ્રવાસ કરશે. તેઓ વિવિધ જિલ્લાઓમાં જઈને કાર્યકરો સાથે બેઠક કરશે અને સંગઠનને મજબૂત બનાવવાના પ્રયત્નો કરશે. રાજકીય નિષ્ણાતોના મતે, આ પગલું ભવિષ્યની રાજકીય તૈયારીઓનો એક ભાગ હોઈ શકે છે.
પાર્ટીમાં કોઈ મહત્વપૂર્ણ પદ સોંપવામાં આવી શકે
રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે નિશાંત કુમારને પાર્ટીમાં કોઈ મહત્વપૂર્ણ પદ સોંપવામાં આવી શકે છે. કેટલીક અટકળો મુજબ, તેમને બિહારના નાયબ મુખ્યમંત્રી તરીકે પણ નિયુક્ત કરવામાં આવી શકે છે. જોકે, આ બાબતે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. JDU માટે આ સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે. નીતિશ કુમારના લાંબા રાજકીય અનુભવ પછી હવે નવી પેઢીને આગળ લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. નિશાંત કુમારની એન્ટ્રીને ઘણા લોકો પાર્ટીમાં નવી ઉર્જા તરીકે જોઈ રહ્યા છે.
આ ઘટના એક નવા અધ્યાયની શરૂઆત
બિહારના રાજકારણમાં આ ઘટના એક નવા અધ્યાયની શરૂઆત બની શકે છે. હવે જોવાનું રહેશે કે નિશાંત કુમાર પોતાના પિતાની છાપ પરથી બહાર આવીને પોતાની અલગ ઓળખ બનાવવામાં કેટલા સફળ થાય છે. આગામી સમયમાં તેમની ભૂમિકા કેટલી મહત્વપૂર્ણ બને છે અને પાર્ટીમાં તેમને કેટલી મોટી જવાબદારી મળે છે, તે રાજકીય પરિસ્થિતિ પર નિર્ભર રહેશે. પરંતુ એટલું ચોક્કસ છે કે તેમની એન્ટ્રીથી બિહારનું રાજકારણ વધુ રસપ્રદ બની ગયું છે.
આ પણ વાંચો : Israel Iran War : મધ્ય પૂર્વમાં મિસાઇલ યુદ્ધ, 9 દિવસમાં 1,230થી વધુ મોત