ઉત્તર ભારતમાં ચાલતા શ્રાવણ મહિનાના પવિત્ર અને અંતિમ સોમવારે બિહારના પ્રખ્યાત સિંહેશ્વર ધામ મંદિરમાં ભક્તોની અણધારી અને ભારે ભીડ ઉમટી હતી. ભગવાન શિવના દર્શન કરી જળાભિષેક કરવા માટે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ વહેલી સવારથી જ કતારમાં ઊભા હતા. આ દરમિયાન સવારે 6:25 થી 7:00 વાગ્યાની વચ્ચે મંદિરના મુખ્ય દ્વાર પર અચાનક ભારે ધસારો થતાં અનિયંત્રિત પરિસ્થિતિ સર્જાઈ હતી અને નાસભાગ જેવું વાતાવરણ થઈ ગયું હતું.જેમાં 6 ભક્તો ઘાયલ થયા હતા.
વધુ પડતી ભીડને કારણે નાસભાગ
મળતી માહિતી પ્રમાણે વધુ પડતી ભીડ અને અરાજકતાના કારણે કેટલાક ભક્તો જમીન પર પડી ગયા હતા, જેમાં આશરે 6 જેટલા શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતા. અહેવાલો મુજબ, ઘાયલોમાં ચાર મહિલાઓ અને બે પુરુષોનો સમાવેશ થાય છે. ઘટનાસ્થળે હાજર પોલીસ અને વહીવટી સુરક્ષાકર્મીઓએ તાત્કાલિક સ્થિતિ સંભાળી હતી. વિવિધ સ્વયંસેવક સંસ્થાઓના કાર્યકરોએ પણ આગળ આવીને પોલીસને સહયોગ આપ્યો હતો. તેમણે ભારે ભીડને તાત્કાલિક નિયંત્રણમાં લઇને ભીડમાં ફસાયેલી મહિલાઓ તેમજ બાળકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. તમામ ઘાયલ શ્રદ્ધાળુઓને તાત્કાલિક સારવાર માટે નજીકની માધેપુરા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
