ઉત્તરપ્રદેશના ઇટાવામાં મોટી માર્ગ દુર્ઘટના થઇ હોવાનું સામે આવ્યું છે. આગ્રા લખનૌ એક્સપ્રેસ વે પર ડબલ ડેકર બસ પલટી ખાઇ ગઇ. આ ઘટનામાં 2 લોકોના મોત જ્યારે 50 લોકો ઇજાગ્રસ્ત થયા છે. તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાયા છે. મળતી માહિતી મુજબ આ પ્રાઇવેટ બસ હતી જે બિહારથી દિલ્હી જઇ રહી હતી. સૈફઇ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ઘટના બની.
બસ સ્પીડમાં હતી- પ્રત્યક્ષદર્શી
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર બસ ખૂબ જ સ્પીડમાં હતી અને અચાનક જ ડ્રાઇવરે કાબુ ગુમાવતા પલટી ગઇ હતી. આખી બસ એક્સપ્રેસ વે પરથી નીચે ખાડામાં પડી ગઈ. બસમાં સવાર મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો અને ચીસો સાંભળીને નજીકના લોકો મદદ માટે દોડી આવ્યા હતા., મળતી માહિતી મુજબ બસમાં 65 લોકો સવાર હતા. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને ઇમરજન્સી સેવાઓ ઘટના સ્થળે પહોંચી છે.
2 લોકોના મોતની પુષ્ટિ
ઇટાવાના એસએસપી આકાશ તોમરે જણાવ્યું કે આ ઘટનામાં 2 લોકોના મોત થયા છે જ્યારે ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે. સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. આ ઘટનાના બનાવની તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસ જણાવે છે કે પ્રાથમિક તપાસમાં ફુલ સ્પીડ અને ડ્રાઇવરની લાપરવાહી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જો કે કોઇ ચોક્કસ કારણ જાણી શકાયુ નથી. તપાસ ચાલી રહી છે. ઘટનાને પગલે બસ ચાલત ઘટના સ્થળ પરથી ફરાર થઇ ગયો છે.