કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા આયોજિત 'છાત્રો કી ગૂંજ' (વિદ્યાર્થીઓનો અવાજ) કાર્યક્રમ ફરી એકવાર વિવાદમાં સપડાયો છે. મધ્યપ્રદેશના ઈન્દોરમાં યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા વિશે કરવામાં આવેલી ટિપ્પણી બાદ રાજકીય ગરમાવો વધી ગયો છે. ભાજપના નેતા બ્રિજભૂષણ શરણ સિંહે આ ઘટના પર આકરી પ્રતિક્રિયા આપતા તેને રાહુલ ગાંધીની દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિનું પ્રતિબિંબ ગણાવ્યું છે.
બ્રિજભૂષણ શરણ સિંહે કહ્યું, "આ રાહુલ ગાંધીનું દુર્ભાગ્ય છે. જો હું ત્યાં હોત અથવા મારા કોઈ કાર્યક્રમમાં હોત અને કોઈએ કોઈના પણ માતા વિશે માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જ નહીં, પરંતુ કોઈના પણ માતા વિશે, ભલે તે રાહુલ ગાંધીના માતા હોય અભદ્ર ટિપ્પણી કરી હોત, તો મેં તેને રોકવાનો પ્રયાસ કર્યો હોત અથવા ખેદ વ્યક્ત કર્યો હોત."
'કોઈના પણ માતાનું અપમાન કરવું દુર્ભાગ્યપૂર્ણ છે'
બ્રિજભૂષણ સિંહે કહ્યું, "તેઓ વિપક્ષના નેતા (LoP) છે; જો તેમની હાજરીમાં અને તેમના મંચ પર દેશની માતાઓનું જેમાં એવી માતાઓનો પણ સમાવેશ થાય છે જેઓ હવે આ દુનિયામાં નથી અને અપમાન કરવામાં આવતું હોય, તો તે દુર્ભાગ્યપૂર્ણ છે. રાહુલ ગાંધીને ભારતીય સંસ્કૃતિ, ભારતીય ઇતિહાસ અને માતાના ઉચ્ચ દરજ્જા અંગેની આપણી પરંપરાઓનું જ્ઞાન નથી."
'છાત્રો કી ગૂંજ' કાર્યક્રમને લઈને ભાજપ આક્રમક મુડમાં
ઉલ્લેખનીય છે કે ભાજપે કોંગ્રેસના સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા ઈન્દોરમાં આયોજિત 'છાત્રો કી ગૂંજ' કાર્યક્રમના આયોજકો પર વડાપ્રધાન મોદીના માતાનું અપમાન કરવાનો આરોપ મૂક્યો છે. ભારતીય જનતા પાર્ટીએ આ કાર્યક્રમ અંગે આક્રમક વલણ અપનાવ્યું છે. આ દરમિયાન પૂર્વ સાંસદ અને ભાજપના નેતા બ્રિજભૂષણ શરણ સિંહે આ ઘટનાને રાહુલ ગાંધીના દુર્ભાગ્યની નિશાની ગણાવી છે.
આ પણ વાંચો: Cough Syrup: હવે કફ સિરપની બોટલ પર લાલ રંગમાં છાપવામાં આવશે ચેતવણી, જાણો કેમ લીધો આવો નિર્ણય