ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને પાર્ટીની નવી 65 સભ્યોની રાષ્ટ્રીય કાર્યકારિણીની જાહેરાત કરી છે. નવી ટીમમાં 51 નવા ચહેરાઓ એટલે કે 78.5 ટકા સભ્યોને સ્થાન આપવામાં આવ્યું છે. આ સાથે પાર્ટીના સંગઠનને નવો આકાર આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ચૂંટણી સોગંદનામા અને સત્તાવાર આંકડાઓના વિશ્લેષણથી નવા હોદ્દેદારોની આર્થિક પૃષ્ઠભૂમિ અને જાહેર કરાયેલી સંપત્તિ અંગે રસપ્રદ માહિતી સામે આવી છે.

પીયૂષ ગોયલ સૌથી અમીર હોદ્દેદાર

BJPના રાષ્ટ્રીય ખજાનચી તરીકે જવાબદારી સંભાળી રહેલા પીયૂષ ગોયલ નવી રાષ્ટ્રીય ટીમના સૌથી ધનિક નેતા તરીકે સામે આવ્યા છે. તેમના ચૂંટણી સોગંદનામા મુજબ તેમની કુલ સંપત્તિ આશરે 110.95 કરોડ રૂપિયા છે. તેમાં મોટો હિસ્સો શેર, મ્યુચ્યુઅલ ફંડ અને બેન્ક ડિપોઝિટ જેવી જંગમ સંપત્તિનો છે. મુંબઈ અને દિલ્હીમાં તેમના રહેણાંક ફ્લેટ સહિતની અચળ સંપત્તિનું મૂલ્ય 21 કરોડ રૂપિયાથી વધુ છે. તેમના નામે કોઈ દેવું જાહેર કરવામાં આવ્યું નથી.

ટોપ-5 અમીર નેતાઓમાં કોના નામ સામેલ?

  • પીયૂષ ગોયલ બાદ બૈજયંત પાંડા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે 15 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ સાથે બીજા ક્રમે છે. 
  • રાષ્ટ્રીય મહાસચિવ સ્મૃતિ ઈરાની પાસે આશરે 14.5 કરોડ રૂપિયાની સંપત્તિ છે, જેમાં મુંબઈ અને અમેઠીની અચળ મિલકતનો સમાવેશ થાય છે.
  • રાષ્ટ્રીય મહાસચિવ ડૉ. સતીશ પૂનિયા પાસે આશરે 5 કરોડ રૂપિયાની સંપત્તિ છે. 
  • રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વસુંધરા રાજે સિંધિયા પાસે 4.09 કરોડ રૂપિયાની જાહેર કરાયેલી સંપત્તિ છે. તેમના સોગંદનામામાં 3.179 કિલોગ્રામ સોનું અને 15 કિલોગ્રામ ચાંદીનો પણ ઉલ્લેખ છે.

હેમાંગ જોશી સૌથી યુવા ચહેરો

  • નવી ટીમમાં મોટા નેતાઓની સાથે યુવાનો અને મધ્યમવર્ગીય પૃષ્ઠભૂમિના નેતાઓને પણ સ્થાન મળ્યું છે. 35 વર્ષીય ડૉ. હેમાંગ જોશી આ યાદીના સૌથી યુવા ચહેરાઓમાં છે અને તેમની જાહેર કરાયેલી સંપત્તિ આશરે 1 કરોડ રૂપિયા છે.
  • ત્રિપુરાના પૂર્વ મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેબ પાસે આશરે 1.2 કરોડ રૂપિયા, જ્યારે OBC મોરચાના પ્રમુખ ગજેન્દ્ર પટેલ પાસે લગભગ 2 કરોડ રૂપિયાની સંપત્તિ છે. 
  • SC મોરચાના શિવેશ કુમાર રામ પાસે આશરે 80 લાખ રૂપિયાની સંપત્તિ જાહેર કરવામાં આવી છે.

વિશ્લેષકોના મતે, નવી ટીમમાં અનુભવી નેતાઓ, આર્થિક રીતે મજબૂત ચહેરાઓ અને યુવા કાર્યકરો વચ્ચે સંતુલન સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ટીમ આગામી વિધાનસભા ચૂંટણીઓ તેમજ 2029ની લોકસભા ચૂંટણી માટે BJPના સંગઠનને વધુ મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

આ પણ વાંચો : UGC-NETમાં ગેરરીતિ બાદ NTAની મોટી કાર્યવાહી, 50થી વધુ કર્મચારીઓ હટાવાયા