દિવાળીના પવિત્ર તહેવાર પહેલા મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ના હજારો કર્મચારીઓ અને અધિકારીઓ માટે એક ખૂબ જ આનંદદાયક સમાચાર આવ્યા છે. BMC વહીવટીતંત્ર દ્વારા વર્ષ ૨૦૨૬ માટે પોતાના પાત્ર અધિકારીઓ અને કર્મચારીઓ માટે ₹૩૩,૦૦૦ના દિવાળી બોનસની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે બોનસની રકમમાં ₹૨,૦૦૦નો વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી તહેવારોની મોસમમાં કર્મચારીઓ અને તેમના પરિવારોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.
ઉચ્ચસ્તરીય બેઠક બાદ લેવાયો નિર્ણય
આ મહત્ત્વપૂર્ણ નિર્ણય BMC મુખ્યાલય ખાતે યોજાયેલી એક ખાસ ઉચ્ચસ્તરીય બેઠક બાદ લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ, વહીવટી અધિકારીઓ અને વિવિધ કર્મચારી સંગઠનોના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. બેઠકમાં કર્મચારી સંગઠનોની માંગણીઓ અને રાજ્યની વર્તમાન આર્થિક પરિસ્થિતિ પર વિસ્તૃત ચર્ચા કર્યા બાદ ₹૩૩,૦૦૦ના બોનસ પર આખરી સંમતિ સાધવામાં આવી હતી. વહીવટીતંત્રને નિર્દેશ આપવામાં આવ્યા છે કે નવેમ્બર મહિનાના નિયમિત પગારની સાથે જ આ બોનસની રકમ કર્મચારીઓના ખાતામાં જમા કરી દેવામાં આવે.
93,509 કર્મચારીઓને મળશે લાભ
BMCના આ નિર્ણયથી કુલ 93,509 અધિકારીઓ, પાત્ર કર્મચારીઓ અને શ્રમિકોને સીધો આર્થિક લાભ થશે. આમાં કોર્પોરેશનના નિયમિત પગાર ધોરણ પર ફરજ બજાવતા કર્મચારીઓ ઉપરાંત ગ્રાન્ટ-ઇન-એઇડ (સહાયિત) શાળાઓના શિક્ષકો અને બિન-શિક્ષણ કર્મચારીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સામાજિક જવાબદારી અને પ્રોત્સાહનના ભાગરૂપે પાત્ર કમ્યુનિટી હેલ્થ વોલન્ટિયર્સ (આરોગ્ય સ્વયંસેવકો) અને બાલવાડી/કિન્ડરગાર્ટન શિક્ષકો માટે ખાસ 'ભાઇબીજ' ઉપહાર રકમ આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
બોનસથી દિવાળીમાં નાણાકીય રાહત ફળશે
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે BMC કર્મચારીઓને ₹31,000 નું બોનસ આપવામાં આવ્યું હતું, જેને આ વર્ષે વધારીને ₹33,000 કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સર્જાયેલી પરિસ્થિતિ અને મોંઘવારીને ધ્યાનમાં રાખીને લેવાયેલો આ નિર્ણય હજારો પરિવારોને દિવાળીની ખરીદી અને તહેવારની ઉજવણી માટે મોટી નાણાકીય રાહત પૂરી પાડશે.
આ પણ વાંચોઃ Cyclone Arnab: ઓડિશામાં ચક્રવાત અર્નબનો કહેર, 300 ગામ પૂરથી ઘેરાયા, લોકોને એરલિફ્ટ કરવાની તૈયારી