મુંબઈની રાજનીતિમાં એક ઐતિહાસિક ફેરફાર થયો છે. BMCની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળના ગઠબંધને ભવ્ય જીત મેળવી છે. છેલ્લા 25 વર્ષથી ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળ શિવસેનાનું પ્રભુત્વ રહેલું મુંબઈ, હવે 45 વર્ષ પછી પહેલી વાર ભાજપના કબજામાં ગયું છે. આ જીત માત્ર ચૂંટણી પરિણામ નથી, પરંતુ મુંબઈની રાજકીય દિશા બદલાઈ હોવાનો સંકેત છે.

ભાજપ પોતાનો મેયર બનાવી શકે

BMCમાં કુલ 227 બેઠકો છે અને મેયર બનાવવા માટે 114 બેઠકોની બહુમતી જરૂરી છે. વર્તમાન વલણો અનુસાર ભાજપ 90 બેઠકો પર આગળ છે, જ્યારે એકનાથ શિંદેની શિવસેના 28 બેઠકો પર આગળ છે. આમ મહાયુતિ ગઠબંધન કુલ 118 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી તરફ આગળ વધી રહ્યું છે. આ પરિણામે ભાજપ સરળતાથી પોતાનો મેયર પસંદ કરવાની સ્થિતિમાં આવી ગયો છે.

દેશની સૌથી સમૃદ્ધ નગરપાલિકા

મુંબઈની BMC માત્ર મહારાષ્ટ્ર નહીં પરંતુ દેશની સૌથી સમૃદ્ધ નગરપાલિકા માનવામાં આવે છે. વર્ષોથી અહીં શિવસેનાનું શાસન રહ્યું છે અને ભાજપ ક્યારેય મેયર પદ સુધી પહોંચ્યું નહોતું. 1980માં સ્થાપિત થયેલી ભાજપ પાર્ટી માટે આ જીત ઐતિહાસિક છે, કારણ કે 45 વર્ષ પછી પહેલી વાર મુંબઈમાં ભાજપનો મેયર બનવાનો માર્ગ ખુલ્યો છે.

વિભાજનનો સીધો ફાયદો

2017ની BMC ચૂંટણીમાં શિવસેના 84 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી બની હતી, જ્યારે ભાજપને 82 બેઠકો મળી હતી. તે સમયે બંને પક્ષો ગઠબંધનમાં હતા. પરંતુ આ વખતે રાજકીય પરિસ્થિતિ સંપૂર્ણ બદલાઈ ગઈ છે. શિવસેના બે ભાગમાં વહેંચાઈ ગઈ છે – એકનાથ શિંદેની શિવસેના ભાજપ સાથે છે, જ્યારે ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT) કોંગ્રેસ અને MNS સાથે છે. આ વિભાજનનો સીધો ફાયદો ભાજપને થયો છે.

વિપક્ષની સ્થિતિ

વિપક્ષની સ્થિતિ જોવામાં આવે તો ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT) 63 બેઠકો સુધી સીમિત રહી છે. કોંગ્રેસને માત્ર 12 બેઠકો મળી છે, જ્યારે એમએનએસ 6 બેઠકો પર આગળ છે. અન્ય પક્ષો અને અપક્ષ ઉમેદવારો મળીને પણ ભાજપને પડકાર આપી શકે તેવી સ્થિતિમાં નથી. તેથી હવે મેયર પદ પર ભાજપની પસંદગી લગભગ નિશ્ચિત માનવામાં આવે છે.

ભાજપ મુંબઈનો મેયર કોને બનાવશે?

હવે મુખ્ય પ્રશ્ન એ છે કે ભાજપ મુંબઈનો મેયર કોને બનાવશે. પાર્ટીએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે મેયર મરાઠી સમુદાયમાંથી જ હશે. ભાજપના અનેક અગ્રણી નેતાઓ BMCમાં કાઉન્સિલર તરીકે ચૂંટાયા છે. કિરીટ સોમૈયાના પુત્ર નીલ સોમૈયા બીજી વખત કાઉન્સિલર બન્યા છે. તે ઉપરાંત તેજસ્વી ઘોસાળકર જેવી નવી અને ચર્ચિત નેતાઓ પણ મેયર પદની રેસમાં હોવાનું માનવામાં આવે છે.

ખાસ વાત

ખાસ વાત એ છે કે તેજસ્વી ઘોસાળકર BMC ચૂંટણીના થોડા સમય પહેલાં શિવસેના (UBT) છોડીને ભાજપમાં જોડાયા હતા. તેમની જીત બાદ હવે તેમને સંભવિત મેયર ઉમેદવાર તરીકે જોવામાં આવી રહ્યા છે. જોકે ભાજપ હજી સત્તાવાર રીતે કોઈ નામ જાહેર કર્યું નથી. BMCમાં મેયરનું પદ ખૂબ મહત્વનું ગણાય છે, પરંતુ વાસ્તવિક વહીવટી સત્તા મ્યુનિસિપલ કમિશનર પાસે રહે છે. મેયર રાજકીય પાંખનું નેતૃત્વ કરે છે અને શહેરના વિકાસ, નીતિ અને દિશા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મેયરનો કાર્યકાળ અઢી વર્ષનો હોય છે અને ત્યારબાદ ફરીથી નવી પસંદગી કરવામાં આવે છે.

મુંબઇની રાજનીતિમાં નવો અધ્યાય શરૂ

એટલે કહીએ તો, મુંબઈની રાજનીતિમાં નવો અધ્યાય શરૂ થયો છે. 45 વર્ષ પછી ભાજપે બીએમસી પર કબજો મેળવી લીધો છે અને હવે શહેરને પહેલો ભાજપ મેયર મળવાનો છે. આ મેયર કોણ હશે તે આવનારા દિવસોમાં સ્પષ્ટ થશે, પરંતુ એટલું નક્કી છે કે મુંબઈની રાજકીય તસવીર હવે બદલાઈ ચૂકી છે.

આ પણ વાંચો : BMC Election Result 2026: "વિકાસને મત, ભાવનાત્મક રાજકારણને બાજુ પર! : એકનાથ શિંદે