ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના ઐશબાગ રેલવે સ્ટેશન પર એક મુસાફરની બેજવાબદાર અને ચોંકાવનારી હરકત સામે આવી છે. ટ્રેનમાં મુસાફરી કરવા માટે સીટ ન મળતા નારાજ થયેલા એક 26 વર્ષના યુવકે ટ્રેનમાં બોમ્બ હોવાની ખોટી અફવા ફેલાવી દીધી હતી. બોમ્બની ખબર મળતા જ રેલવે પ્રશાસન, સ્થાનિક પોલીસ અને સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક એલર્ટ મોડ પર આવી ગઈ હતી. આ અફવાને કારણે રેલવે સ્ટેશન પર લાંબા સમય સુધી અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.


સુરક્ષા એજન્સીઓએ આખી ટ્રેનને તપાસી

રેલવે પોલીસના જણાવ્યા અનુસાર, પકડાયેલો આરોપી યુવક તેલંગાણાનો રહેવાસી છે. તે ઐશબાગ રેલવે સ્ટેશન પર ટ્રેન પકડવા આવ્યો હતો, પરંતુ ટ્રેનમાં ભારે ભીડ હોવાના કારણે તેને બેસવા માટે કોઈ સીટ કે જગ્યા મળી ન હતી. આ વાતથી ગુસ્સે ભરાઈને તેણે કંટ્રોલ રૂમને ટ્રેનમાં બોમ્બ હોવાની ખોટી માહિતી આપી દીધી. માહિતી મળતા જ જીઆરપી (GRP), સ્થાનિક પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

સુરક્ષાના કારણોસર ટ્રેનને પ્લેટફોર્મ પર રોકી રાખવામાં આવી હતી અને ઘણા મુસાફરોને સાવચેતીના ભાગરૂપે નીચે ઉતારી દેવાયા હતા. સુરક્ષા કર્મચારીઓએ ટ્રેનના તમામ કોચ, મુસાફરોના સામાન અને આસપાસના સમગ્ર વિસ્તારની સઘન તપાસ કરી હતી. કલાકો સુધી ચાલેલી આ તપાસના અંતે કોઈ પણ શંકાસ્પદ વસ્તુ કે વિસ્ફોટક મળી આવ્યો ન હતો, જેથી પ્રશાસને રાહતનો શ્વાસ લીધો હતો અને અહેવાલ ખોટો હોવાનું સ્પષ્ટ થયું હતું.

યુવકની કરાઈ ધરપકડ 

બીજી તરફ, પોલીસે તપાસ કરીને અફવા ફેલાવનાર તેલંગાણાના યુવકને કસ્ટડીમાં લઈ લીધો હતો. પૂછપરછ દરમિયાન તેણે કબૂલાત કરી હતી કે માત્ર સીટ ન મળવાના ગુસ્સામાં તેણે આ પગલું ભર્યું હતું. રેલવે પોલીસે તેની સામે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી જેલભેગો કર્યો છે.

નોંધનીય છે કે, તાજેતરમાં જ લખનૌથી દિલ્હી જતી એક ફ્લાઇટમાં પણ આવી જ રીતે બોમ્બની ખોટી અફવા ફેલાવવામાં આવી હતી, જેના કારણે ફ્લાઇટ ૬ કલાક મોડી પડી હતી. રેલવે અને પોલીસ સત્તાવાળાઓએ જનતાને અપીલ કરી છે કે આવી ખોટી અફવાઓ ન ફેલાવવી, કારણ કે તેનાથી સુરક્ષા એજન્સીઓનો સમય અને સંસાધનો તો બગડે જ છે, સાથે સાથે સામાન્ય જનતામાં પણ બિનજરૂરી ડર પેદા થાય છે.

  • Follow us on: