ભારતની યજમાનીમાં નવી દિલ્હીના પ્રતિષ્ઠિત 'ભારત મંડપમ' ખાતે 12-13 સપ્ટેમ્બર 2026 ના રોજ 18 મી બ્રિક્સ સમિટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સહિત વિશ્વભરના દિગ્ગજ નેતાઓના આગમનને ધ્યાનમાં રાખીને, રાજધાની દિલ્હીમાં 11 થી 13 સપ્ટેમ્બર દરમિયાન સુરક્ષા અને ટ્રાફિકનું અત્યંત કડક વ્યવસ્થાપન કરવામાં આવ્યું છે. આગામી 72 કલાક સુધી દિલ્હીમાં VVIP મૂવમેન્ટ ચરમસીમા પર રહેશે.
11 સપ્ટેમ્બરથી કડક સુરક્ષા અને ટ્રાફિક નિયંત્રણો
શુક્રવાર, 11 સપ્ટેમ્બરથી જ દિલ્હીમાં શિખર સંમેલનને લગતી સુરક્ષા વ્યવસ્થાઓ અમલમાં આવી ગઈ છે. સુરક્ષાના કારણોસર શાળાઓ બંધ રાખવામાં આવી છે, જ્યારે 35 થી વધુ મુખ્ય રસ્તાઓ પર પોલીસની ચુસ્ત નજર છે. સરદાર પટેલ માર્ગ, તીન મૂર્તિ માર્ગ, અકબર રોડ, મથુરા રોડ અને જનપથ જેવા મુખ્ય માર્ગો પર ટ્રાફિકને અસ્થાયી રૂપે નિયંત્રિત કરવા માટે ૨૨ ડાયવર્ઝન પોઈન્ટ બનાવવામાં આવ્યા છે. એરપોર્ટ તરફ મુસાફરી કરતા નાગરિકોને રસ્તાના બદલે મેટ્રો સેવાનો મહત્તમ ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.
12 સપ્ટેમ્બર: સમિટનો સૌથી મહત્વપૂર્ણ દિવસ
સમિટના પ્રથમ દિવસે એટલે કે ૧૨ સપ્ટેમ્બરે વિવિધ દેશોના રાષ્ટ્રાધ્યક્ષો બપોરે ૨ વાગ્યાની આસપાસ ભારત મંડપમ પહોંચશે. અહીં લેવલ ૨ પર તેમનું સત્તાવાર ફોટો સેશન યોજાશે. આ દિવસના મુખ્ય કાર્યક્રમો નીચે મુજબ રહેશે:
બંધ બારણે બેઠક (બપોરે ૨:૩૫ વાગ્યે): આંતરરાષ્ટ્રીય સ્તરે નિર્ણયો લેવાની પ્રક્રિયા અને દેશો વચ્ચેનો સહયોગ વધુ મજબૂત કરવા પર ચર્ચા થશે.
'ભારત ઇનોવેટ્સ' પ્રદર્શન (સાંજે ૪:૨૫ વાગ્યે): વિદેશી મહેમાનો સમક્ષ ભારતની ટેકનોલોજીકલ અને નવીનતા ક્ષમતાઓનું પ્રદર્શન કરવામાં આવશે.
ગ્રુપ ફોટો અને વૃક્ષારોપણ (સાંજે ૫:૦૫ થી ૫:૧૫ વાગ્યે): તમામ વૈશ્વિક નેતાઓ સંયુક્ત ફોટો સેશન અને વૃક્ષારોપણ સમારોહમાં ભાગ લેશે.
ગાલા ડિનર (સાંજે ૭:૩૦ વાગ્યે): વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમિટમાં પધારેલા તમામ વિદેશી મહેમાનોના સ્વાગત માટે ભવ્ય ગાલા ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે.
13 સપ્ટેમ્બર: સમિટનું સમાપન સત્ર
સમિટના બીજા અને અંતિમ દિવસે, ૧૩ સપ્ટેમ્બરે સવારે ૯:૫૫ વાગ્યે નેતાઓ ભારત મંડપમ પહોંચશે. સવારે ૧૦:૩૫ વાગ્યે વધુ એક ગ્રુપ ફોટો સેશન થશે અને ત્યારબાદ ૧૦:૫૦ વાગ્યે સમિટનું ખુલ્લું સત્ર (Open Session) શરૂ થશે. આ સત્રમાં વૈશ્વિક મહત્વના મુદ્દાઓ પર નેતાઓ પોતાના વિચારો રજૂ કરશે અને બ્રિક્સ દેશો વચ્ચે સહયોગ વધારવા માટેના મહત્વપૂર્ણ નિર્ણયોની જાહેરાત થશે. આ કાર્યક્રમોની પૂર્ણાહુતિ સાથે ૧૮મી બ્રિક્સ સમિટનું ઔપચારિક સમાપન થશે. આ આંતરરાષ્ટ્રીય સ્તરના મહાસંમેલનને સફળ બનાવવા અને સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે દિલ્હી વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે.
આ પણ વાંચોઃ BRICS Summit 2026: બજારો ખોલો,અવરોધો દૂર કરો અને ચુકવણી પ્રણાલી સરળ બનાવો, પિયુષ ગોયલની બ્રિક્સ દેશોને અપીલ