નવી દિલ્હીમાં 12 અને 13 સપ્ટેમ્બર 2026 દરમિયાન યોજાઈ રહેલી ૧૮મી બ્રિક્સ સમિટ (BRICS Summit) ને કારણે રાજધાની અને તેની આસપાસના વિસ્તારોમાં સુરક્ષા અને વ્યવસ્થાપન માટે કડક પગલાં લેવામાં આવ્યા છે. આ સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને ઉત્તર રેલવે દ્વારા ટ્રેન સંચાલનમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. દિલ્હીમાંથી પસાર થતી અથવા દિલ્હી આવતી-જતી અનેક મહત્વપૂર્ણ ટ્રેનો આગામી ત્રણ દિવસ માટે રદ કરવામાં આવી છે, જ્યારે રાજધાની અને સંપોર્ણ ક્રાંતિ જેવી પ્રીમિયમ ટ્રેનોના રૂટમાં પણ ફેરફાર કરાયા છે.
મુખ્ય ટ્રેનોના રૂટ ડાયવર્ઝન અને ફેરફારો
રેલવે પ્રશાસન દ્વારા બહાર પાડવામાં આવેલા નવા સંચાલન આયોજન મુજબ, 11 સપ્ટેમ્બરથી દિલ્હી ક્ષેત્રમાંથી પસાર થતી લાંબા અંતરની ટ્રેનોના માર્ગો બદલવામાં આવ્યા છે. નવી દિલ્હીથી ઉપડતી અનેક રાજધાની ટ્રેનો (જેવી કે નવી દિલ્હી-રાંચી રાજધાની, નવી દિલ્હી-ડિબ્રુગઢ રાજધાની, નવી દિલ્હી-સિયાલદહ રાજધાની, નવી દિલ્હી-હાવડા રાજધાની, નવી દિલ્હી-ભુવનેશ્વર રાજધાની) તેમજ પ્રખ્યાત 'સંપૂર્ણ ક્રાંતિ એક્સપ્રેસ' હવે નવી દિલ્હી–દિલ્હી જંક્શન–સાહિબાબાદ થઈને વૈકલ્પિક માર્ગે દોડાવવામાં આવશે. આ ઉપરાંત, કેટલીક ટ્રેનોની મુસાફરી ટૂંકી કરવામાં આવી છે અથવા તેમને નિર્ધારિત સ્ટેશનને બદલે અગાઉના સ્ટેશનોથી જ પરત ફેરવવામાં આવી રહી છે.
સ્થાનિક EMU અને MEMU ટ્રેનો રદ
દિલ્હી-એનસીઆર વચ્ચે દૈનિક મુસાફરી કરતા નોકરીિયાતો અને વિદ્યાર્થીઓ માટે મુશ્કેલીઓ વધી છે, કારણ કે પલવલ, ગાઝિયાબાદ, શકુરબસ્તી અને શામલી રૂટ પર ચાલતી અસંખ્ય EMU અને MEMU ટ્રેનો રદ કરવામાં આવી છે. ઉદાહરણ તરીકે, પલવલ-શકુરબસ્તી અને ગાઝિયાબાદ-નવી દિલ્હી વચ્ચેની અનેક સ્થાનિક ટ્રેનોને અસ્થાયી રૂપે બંધ રાખવામાં આવી છે, જેનાથી દૈનિક મુસાફરોએ ભારે અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે.
ટ્રેનોના સંચાલનમાં વિલંબ
સુરક્ષા પ્રતિબંધો અને ઓપરેશનલ કારણોસર ઘણી મહત્વપૂર્ણ ટ્રેનો પોતાના નિર્ધારિત સમય કરતાં મોડી દોડી રહી છે. હૈદરાબાદ એક્સપ્રેસ અને ગ્રાન્ડ ટ્રંક એક્સપ્રેસ ૧૨૦ મિનિટ સુધી મોડી ચાલી રહી છે, જ્યારે પશ્ચિમ એક્સપ્રેસ, તેજસ રાજધાની અને પૂર્વા એક્સપ્રેસ જેવી ટ્રેનો પણ ૩૦ થી ૯૦ મિનિટ સુધી વિલંબમાં છે.
મુસાફરો માટે ખાસ સલાહ
આ સપ્તાહના અંતે દિલ્હી-એનસીઆર ક્ષેત્રમાં રેલવે દ્વારા મુસાફરી કરનારા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ સ્ટેશને જતા પહેલા પોતાની ટ્રેનનું સ્ટેટસ અગાઉથી ચકાસી લે. સંભવિત ટ્રાફિક જામ અને સુરક્ષા તપાસને ધ્યાનમાં રાખીને મુસાફરોને વહેલા ઘર બહાર નીકળવા તેમજ રસ્તાના માર્ગને બદલે મેટ્રો સેવાનો મહત્તમ ઉપયોગ કરવા વિનંતી કરાઈ છે.
આ પણ વાંચોઃ BRICS Summit 2026: દિલ્હી બન્યું અભેદ્ય કિલ્લો, 15,000 પોલીસ જવાનો અને 200 CAPF કંપનીઓ તૈનાત