BRICS Summit 2026: રાજધાની દિલ્હી ૧૮મી બ્રિક્સ (BRICS) સમિટ માટે સંપૂર્ણપણે સજ્જ છે. 12 અને 13 સપ્ટેમ્બરે યોજાનારી આ સમિટમાં વિશ્વભરના અનેક દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે. આ વર્ષે બ્રિક્સનું અધ્યક્ષપદ ભારત પાસે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં બ્રાઝિલ, રશિયા, ચીન, દક્ષિણ આફ્રિકા, ઇજિપ્ત, ઇન્ડોનેશિયા, ઈરાન અને યુએઈ (UAE) સહિતના અનેક દેશોના નેતાઓનું યજમાનપદ સંભાળશે.


સમિટનું મુખ્ય આયોજન 'ભારત મંડપમ' ખાતે થવાનું છે, પરંતુ તેની સૌથી રસપ્રદ તૈયારીઓ દિલ્હીની લક્ઝરી હોટલોમાં પડદા પાછળ ચાલી રહી છે, જ્યાં પ્રતિનિધિઓ રોકાવાના છે. ખાસ પ્રકારના આતિથ્યથી લઈને આંતરરાષ્ટ્રીય મહેમાનો માટે તૈયાર કરાયેલા મેનૂ સુધી, શહેરની અગ્રણી હોટલો મુલાકાતીઓને ભારતનો સ્વાદ ચખાડવા અને તેમની વિવિધ ખાદ્ય પસંદગીઓને સંતોષવા માટે કોઈ કસર છોડી રહી નથી.

તાજમહાલ હોટલમાં 'ટ્રેડિશન ટુ ટેબલ' (પરંપરાથી ભોજન સુધી)નો સ્વાદ

મળતી માહિતી અનુસાર દિલ્હીની પ્રખ્યાત તાજમહાલ હોટલ 'ટ્રેડિશન ટુ ટેબલ' થીમ સાથે બ્રિક્સ પ્રતિનિધિઓનું સ્વાગત કરશે. આ શ્રેણીમાં તાજના શેફ દ્વારા તૈયાર કરાયેલી વાનગીઓનો સમાવેશ થાય છે, જે તેમના શરૂઆતના રસોઈ-ગુરુઓ અને તેમની પોતાની માતાઓથી પ્રેરિત છે. તે ભારતીય આતિથ્યની ભાવના અને આપણી ભોજન-પરંપરાઓના સારને રજૂ કરે છે. આ સંગ્રહમાં એવી વાનગીઓનો સમાવેશ થાય છે જેની સાથે શેફનું વ્યક્તિગત જોડાણ છે, કારણ કે તેઓ આ વાનગીઓ ખાતા-ખાતા જ મોટા થયા છે.

આ કુકિંગ કોન્સેપ્ટ ભારતના છ પ્રદેશોની પરંપરાગત નમકીન વાનગીઓનો સમાવેશ કર્યો છે, જેમાં કાશ્મીરના મસાલેદાર અખરોટ, જૂની દિલ્હીના મેંદામાંથી બનેલા કાજુ, મહારાષ્ટ્રની 'ભાખરવડી', રાજસ્થાનની નાની 'કચોરી', બંગાળની 'કુચો નિમકી' અને તમિલનાડુના 'મુરુક્કુ'નો સમાવેશ થાય છે. આ સંગ્રહ તે વિશિષ્ટ સામગ્રી ટેક્સચર અને બનાવવાની પદ્ધતિઓને ઉજાગર કરે છે જે ભારતની વિવિધ પ્રાદેશિક વાનગીઓની ઓળખ છે.

તાજ મહેલ નવી દિલ્હીના એરિયા ડિરેક્ટર (ઓપરેશન્સ) અને જનરલ મેનેજર ડૉ. અનમોલ આહલુવાલિયાએ જણાવ્યું હતું કે, "છેલ્લા લગભગ પાંચ દાયકાઓથી, તાજ મહેલ, નવી દિલ્હીને વિશ્વભરના રાષ્ટ્રાધ્યક્ષો, રાજદ્વારીઓ અને પ્રતિષ્ઠિત નેતાઓનું સ્વાગત કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. ભારતની ખાદ્ય-સંસ્કૃતિની વિવિધતા અને સમૃદ્ધિને પ્રતિબિંબિત કરતી આ યાદગાર ભેટ, 'તાજ'ના અનુભવની વિશેષતા સમાન હૂંફ, સંભાળ અને આત્મીયતાની ભાવનાને વ્યક્ત કરે છે."

'ધ લીલા પેલેસ' ખાતે કમળની થીમ આધારિત એક વિશેષ પ્રસ્તુતિ

દિલ્હી સ્થિત 'ધ લીલા પેલેસ' BRICS સમિટ 2026ના પ્રતિનિધિઓ માટે ભોજનનો એક અનોખો અનુભવ તૈયાર કરી રહ્યું છે. આ અનુભવ આધુનિક દ્રષ્ટિકોણથી દેશના વારસાને રજૂ કરે છે. આ પ્રસ્તુતિના કેન્દ્રમાં ખાસ હાથથી તૈયાર કરાયેલું કમળનું ફૂલ છે. જેની પસંદગી ભારતના રાષ્ટ્રીય ફૂલ સાથે જોડાયેલા વિવિધ અર્થોને કારણે કરવામાં આવી છે. તે BRICS ઈન્ડિયા 2026ની ઓળખના પ્રતીક તરીકે કાર્ય કરે છે અને 'ધ લીલા'ની પોતાની સફર સાથે પણ વિશેષ જોડાણ ધરાવે છે. ગુલાબ, કેસર અને એલચીમાંથી તૈયાર કરાયેલું અને ભારતના દેશી ફળો સાથે પીરસવામાં આવતું આ કમળનું સર્જન પ્રતીકવાદ અને કલાત્મકતાના એવા અનોખા સંગમનું પ્રતિનિધિત્વ કરે છે જે ભારતના મૂળ તત્વને પ્રતિબિંબિત કરે છે.


'ધ લીલા પેલેસ'ના એક્ઝિક્યુટિવ શેફ કરણ ઠાકુરે જણાવ્યું હતું કે, "પેલેસની ક્યુલિનરી ટીમ (ભોજન તૈયાર કરતી ટીમ) એવી ખાસ વાનગીઓ તૈયાર કરે છે જેને અમારા મહેમાનો ખૂબ પસંદ કરે છે અને મુલાકાતે આવેલા પ્રતિનિધિઓએ પણ તેની પ્રશંસા કરી છે. આ ઉપરાંત, અમે 'ઓજસ્ય બાય ધ લીલા' (Aujasya by The Leela) તરફથી બાજરીની કૂકીઝ, હાથથી બનાવેલા ગ્રનોલા બાર અને વેલનેસ ઇન્ફ્યુઝન (સ્વાસ્થ્યવર્ધક પીણાં) પણ પીરસીએ છીએ, જે ભારતીય સામગ્રીના ગુણો અને આધુનિક પોષણ પદ્ધતિઓનો સમન્વય સાધે છે."




આ પણ વાંચો: Weather Update: ક્યાંક રેડ તો ક્યાંક યલો એલર્ટ... ભારે પવન સાથે મુશળધાર વરસાદની આગાહી