ભારતની રાજધાની નવી દિલ્હીમાં યોજાનારી ૧૮મી બ્રિક્સ સમિટ ૨૦૨૬ માત્ર વૈશ્વિક અર્થતંત્ર અને વેપાર પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે અમેરિકા અને પશ્ચિમી દેશો માટે પણ ચિંતા અને ચર્ચાનો મોટો વિષય બની રહી છે. વિશ્વભરના ઘણા દેશો દ્વારા યુએસ ડોલરના વિકલ્પની શોધ કરવામાં આવી રહી છે, જેને લઈને અમેરિકી અખબારો અને મીડિયામાં ભારે હલચલ જોવા મળી રહી છે. પ્રતિષ્ઠિત અખબાર 'ન્યૂ યોર્ક ટાઈમ્સ'ના અહેવાલમાં આ સમિટ પાછળના ભૂ-રાજકીય તણાવ અને પડકારો પર વિશેષ પ્રકાશ પાડવામાં આવ્યો છે.
ન્યૂ યોર્ક ટાઈમ્સનો દાવો અને પશ્ચિમી સંસ્થાઓ પર અસર
અમેરિકી અખબાર 'ન્યૂ યોર્ક ટાઈમ્સ'ના જણાવ્યા અનુસાર, શનિવારથી નવી દિલ્હીમાં શરૂ થઈ રહેલી આ સમિટમાં ચીન, રશિયા, બ્રાઝિલ અને ભારત જેવા મોટા દેશો ભાગ લઈ રહ્યા છે. આ તમામ દેશો વૈશ્વિક સ્તરે યુએસ ડોલર અને પશ્ચિમી સંસ્થાઓ પરની નિર્ભરતા ઘટાડવાના પ્રયાસો કરી રહ્યા છે. જો કે, અખબારે કટાક્ષ કર્યો છે કે બ્રિક્સ દેશો એક વૈશ્વિક મંચ પર એક થવાનો દાવો ભલે કરતા હોય, પરંતુ વર્તમાન યુદ્ધ અને ભૌગોલિક તણાવ જેવી પરિસ્થિતિઓ તેમને આંતરિક રીતે વિભાજિત કરી રહી છે.
ઈરાન અને યુએઈ વચ્ચેનો તણાવ તથા ઊર્જા પુરવઠો
આ સમિટમાં યુએઈ (UAE) જેવા દેશો પણ સામેલ છે જે અમેરિકાના પરંપરાગત સુરક્ષા ભાગીદાર છે, પરંતુ તાજેતરમાં બ્રિક્સના જ અન્ય એક સભ્ય દેશ ઈરાન દ્વારા તેના પર હુમલો કરવામાં આવ્યો છે. ઈરાન એ સાબિત કરવા માંગે છે કે પશ્ચિમી પ્રતિબંધો તેને વૈશ્વિક સ્તરે અલગ પાડી શક્યા નથી. તેમ છતાં, અમેરિકા સાથેના યુદ્ધને કારણે હોર્મુઝ સ્ટ્રેટ (માર્ગ) ગંભીર રીતે પ્રભાવિત થયો છે, જે તેલ અને અન્ય માલસામાન માટે અત્યંત મહત્વપૂર્ણ છે. અન્ય બ્રિક્સ સભ્ય દેશો સ્થિર ઉર્જા પુરવઠો અને નીચા ભાવ ઈચ્છતા હોવાથી આ તણાવ ચિંતાનો વિષય છે.
પીએમ મોદીની નાજુક સંતુલન કવાયત
આ વૈશ્વિક મહાસંમેલનના યજમાન દેશ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે આ સમિટ ભૂ-રાજકીય સંતુલન જાળવવાની એક અત્યંત નાજુક કવાયત સમાન છે. ભારત લાંબા સમયથી ચીનને પોતાનો મુખ્ય હરીફ માને છે અને તે બ્રિક્સનો એકમાત્ર એવો સ્થાપક સભ્ય દેશ છે જે વૈશ્વિક બાબતોમાં બેઇજિંગના વધતા પ્રભાવને ઘટાડવા માંગે છે.
આમ, વર્તમાન વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે બ્રિક્સ સમિટ માત્ર આર્થિક સહયોગનું પ્લેટફોર્મ નથી, પરંતુ તે વિશ્વ વ્યવસ્થાને બદલવાની મહત્ત્વાકાંક્ષા અને પશ્ચિમી દેશોની ચિંતાઓ વચ્ચેનું એક મોટું રાજદ્વારી રણક્ષેત્ર બની ગયું છે.
આ પણ વાંચોઃ BRICS Summit 2026: ડોનાલ્ડ ટ્ર્મ્પની ધમકીઓ હવે થશે સાઇડલાઇન, ભારતે બનાવી લીધો પોતાનો સુપર ડુપર ટ્રેડ પ્લાન