સરકારી સંસ્થાઓમાં ઉચ્ચ અધિકારીઓ ઘણીવાર પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને શાહી સગવડો ભોગવતા હોય છે, પરંતુ BSNL ના ડાયરેક્ટર વિવેક બંજલનો તાજેતરનો કિસ્સો આશ્ચર્યજનક અને શરમજનક સાબિત થયો છે. 19 ફેબ્રુઆરીએ પ્રયાગરાજની તેમની પ્રસ્તાવિત મુલાકાત માટે જે 'પ્રોટોકોલ' તૈયાર કરવામાં આવ્યો હતો, તેણે સોશિયલ મીડિયા પર હોબાળો મચાવી દીધો છે.


શું હતો સમગ્ર વિવાદ?

BSNL ના ડાયરેક્ટર વિવેક બંજલ પ્રયાગરાજમાં સંગમ સ્નાન માટે જવાના હતા. આ મુલાકાત માટે DGM સ્તરેથી એક સત્તાવાર પ્રોટોકોલ લિસ્ટ જારી કરવામાં આવ્યું હતું. આ યાદીમાં 50 થી વધુ નાના-મોટા અધિકારીઓની ડ્યુટી લગાવવામાં આવી હતી. નવાઈની વાત એ છે કે, આ પ્રોટોકોલમાં માત્ર સુરક્ષા કે વાહન વ્યવહાર જ નહીં, પરંતુ ડાયરેક્ટરના અત્યંત વ્યક્તિગત સામાન જેવો કે ટુવાલ, અન્ડરવેર અને સ્નાન પછીના કપડાંની વ્યવસ્થા કરવા માટે પણ અલગ-અલગ અધિકારીઓને જવાબદારી સોંપાઈ હતી.

50 અધિકારીઓની ફૌજ અને મિનિટ-ટુ-મિનિટ પ્લાન

પ્રોટોકોલ નોટિસમાં ડાયરેક્ટરની મુલાકાતની દરેક મિનિટની વિગત હતી. સંગમ સ્નાન દરમિયાન તેમને કોઈ અસુવિધા ન થાય તે માટે અધિકારીઓને તૈનાત કરાયા હતા. આ શાહી વ્યવસ્થાની નકલ ઇન્ટરનેટ પર વાયરલ થતા લોકોએ તીખી પ્રતિક્રિયા આપી હતી. સરકારી નાણાં અને માનવ સંસાધનનો આ રીતે વ્યક્તિગત સેવા માટે થતો દુરુપયોગ જોઈને પ્રજામાં રોષ જોવા મળ્યો હતો.

સરકારની કડક કાર્યવાહી અને મુલાકાત રદ

મામલો ઉચ્ચ સ્તરે પહોંચતા અને ભારે બદનામી થતા વિવેક બંજલની પ્રયાગરાજ મુલાકાત તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી હતી. BSNL ના જનસંપર્ક અધિકારી આશિષ ગુપ્તાએ મુલાકાત રદ થયાની પુષ્ટિ કરી હતી, પરંતુ વિવાદાસ્પદ પ્રોટોકોલ અંગે મૌન સેવ્યું હતું. જોકે, સરકાર આ બાબતને હળવાશથી લેવા માંગતી નથી. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પ્રોટોકોલને 'અત્યંત નિંદનીય અને અસ્વીકાર્ય' ગણાવવામાં આવ્યો છે.

સાત દિવસમાં ખુલાસો માંગવામાં આવ્યો

વિવેક બંજલને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે અને સાત દિવસમાં ખુલાસો માંગવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, જો જવાબ સંતોષકારક નહીં હોય તો તેમની સામે કડક શિસ્તભંગના પગલાં લેવામાં આવશે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે લોકશાહીમાં 'નવાબી સંસ્કૃતિ' માટે કોઈ સ્થાન નથી.

આ પણ વાંચોઃ Philippines માં યુએસ લશ્કરી વિમાનનો અકસ્માત, ટેકઓફ વખતે બેરિયર સાથે અથડાતા 5 સૈનિકો ઘાયલ


  • Follow us on: