કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે એક બાજુ 8માં પગાર પંચની આતુરતા છે, ત્યાં બીજી બાજુ સાયબર ઠગ આ તકનો લાભ ઉઠાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર હાલમાં એક એવો WhatsApp મેસેજ વાયરલ થઈ રહ્યો છે જે તમારી મહેનતની કમાણી સેકન્ડોમાં સાફ કરી શકે છે. અને એટલા માટે જ પગાર વધારાની લાલચે આવતા કોઈ પણ વોટ્સઅપ મેસેજ પર ક્લિક ના કરતા કે ના કોઈ APK ફાઈલ ડાઉનલોડ કરી દેતા, નહીંતર રાતા પાણીએ રડવાનો વારો આવશે.
શું છે આ WhatsApp સ્કેમ?
સાયબર ઠગ કર્મચારીઓને એવો મેસેજ મોકલી રહ્યા છે કે, "8માં પગાર પંચ મુજબ તમારો નવો પગાર કેટલો થશે? અહીં ક્લિક કરીને તરત જ ચેક કરો." આ મેસેજની સાથે એક લિંક આપવામાં આવે છે. જ્યારે યૂઝર તે લિંક પર ક્લિક કરે છે, ત્યારે તેને એક APK ફાઈલ ડાઉનલોડ કરવા માટે કહેવામાં આવે છે. અને તેમાં બતાવે છે 'સેલરી કેલ્ક્યુલેટર' નામની એક એપ ડાઉનલોડ કરવાનું કહેવામાં આવે છે.
કેવી રીતે થાય છે છેતરપિંડી?
આ કહેવાતું 'સેલરી કેલ્ક્યુલેટર' ખરેખર એક ખતરનાક માલવેર (વાયરસ) છે. જેવી તમે આ એપ ઇન્સ્ટોલ કરો છો, કે તરત જ ઠગ ટોળકીને તમારા ફોનનો રિમોટ એક્સેસ મળી જાય છે. આ માલવેર તમારા મોબાઈલમાંથી બેંકિંગ પાસવર્ડ, OTP અને ખાનગી ડેટા ચોરી લે છે. ઘણીવાર તો યૂઝરને ખબર પણ નથી પડતી અને પાછળથી તેના બેંક ખાતામાંથી મોટી રકમ ઉપડી જાય છે.
સરકાર તરફથી સત્તાવાર રીતે સ્પષ્ટતા કરવામાં આવી છે કે 8માં પગાર પંચ અંગેની કોઈપણ માહિતી અધિકૃત સરકારી વેબસાઈટ પર જ આપવામાં આવશે. વોટ્સએપ દ્વારા કોઈ પણ લિંક કે એપ ક્યારેય સરકારી કામગીરી માટે મોકલવામાં આવતી નથી.
શું કરવું અને શું ન કરવું?
✔ કોઈપણ અજાણી લિંક પર ક્લિક કરશો નહીં.
✔ WhatsApp કે સોશિયલ મીડિયા પરથી APK ફાઇલો ડાઉનલોડ કરશો નહીં.
✔ ફક્ત ગૂગલ પ્લે સ્ટોર/એપલ એપ સ્ટોર પરથી જ એપ્સ ડાઉનલોડ કરો.
✔ ક્યારેય તમારી બેંકિંગ વિગતો, OTP અથવા પાસવર્ડ કોઈની સાથે શેર કરશો નહીં.
✔ જો તમને કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ દેખાય, તો તાત્કાલિક બેંક અને સાયબર ક્રાઈમ હેલ્પલાઈન (1930) ને તેની જાણ કરો.
એકંદરે, આઠમા પગાર પંચને લઈને ઉત્તેજના સમજી શકાય તેવી છે, પરંતુ સાયબર ગુનેગારો આનો લાભ લઈ રહ્યા છે. શ્રેષ્ઠ બચાવ એ છે કે સતર્ક રહો.