માર્ચ 2026 ના અંતિમ દિવસોમાં બેંકિંગ સેવાઓનો ઉપયોગ કરનારા ગ્રાહકો માટે મહત્વના અપડેટ્સ સામે આવ્યા છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) ના કેલેન્ડર મુજબ, આગામી અઠવાડિયે એટલે કે 23 માર્ચથી 29 માર્ચ દરમિયાન દેશના વિવિધ ભાગોમાં જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકોમાં સતત 4 દિવસ સુધી રજાઓ રહેશે. જેમાં રામનવમી જેવા મોટા તહેવારો અને સાપ્તાહિક રજાઓનો સમાવેશ થાય છે.

કયા દિવસે ક્યાં રજા રહેશે?

રજાઓનું લિસ્ટ રાજ્ય અને પ્રાદેશિક તહેવારોના આધારે અલગ-અલગ હોઈ શકે છે. મુખ્ય રજાઓની વિગત નીચે મુજબ છે:

26 માર્ચ (ગુરુવાર): શ્રી રામ નવમી નિમિત્તે અમદાવાદ, મુંબઈ, લખનૌ, કાનપુર, કોલકાતા અને જયપુર સહિતના મુખ્ય શહેરોમાં બેંકો બંધ રહેશે. ગુજરાતના ગ્રાહકો માટે આ દિવસ જાહેર રજાનો રહેશે.

27 માર્ચ (શુક્રવાર): રામ નવમી અને ચૈત્ર દશૈન નિમિત્તે ભોપાલ, પટના, હૈદરાબાદ અને ભુવનેશ્વરમાં બેંકોમાં કામકાજ બંધ રહેશે.

28 માર્ચ (શનિવાર): મહિનાનો ચોથો શનિવાર હોવાથી સમગ્ર ભારતની તમામ જાહેર (SBI જેવી) અને ખાનગી (HDFC, ICICI જેવી) બેંકોમાં રજા રહેશે.

29 માર્ચ (રવિવાર): સાપ્તાહિક રજા હોવાથી દેશભરની તમામ બેંકો બંધ રહેશે.

ગ્રાહકો માટે મહત્વની સૂચના

જોકે બેંકની ભૌતિક શાખાઓ બંધ રહેશે, પરંતુ ગ્રાહકોને ગભરાવાની જરૂર નથી. ઇન્ટરનેટ બેંકિંગ, મોબાઈલ બેંકિંગ અને UPI જેવી ડિજિટલ સેવાઓ 24x7 કાર્યરત રહેશે. એટીએમ (ATM) માંથી રોકડ ઉપાડવામાં કોઈ સમસ્યા નહીં નડે. પરંતુ, જો તમારે ચેક ક્લિયરન્સ કરાવવો હોય, મોટી રકમ જમા કરાવવી હોય કે લોન સંબંધિત કામ હોય, તો તમારે બેંક ફરી ખુલે ત્યાં સુધી રાહ જોવી પડશે.

માર્ચ ક્લોઝિંગનું ધ્યાન રાખજો

માર્ચ મહિનો નાણાકીય વર્ષનો છેલ્લો મહિનો હોવાથી ટેક્સ પ્લાનિંગ અને અન્ય સત્તાવાર કામો માટે બેંકની મુલાકાત લેવી જરૂરી હોય છે. રજાઓના કારણે કામ અટકે નહીં તે માટે ગ્રાહકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ 24 કે 25 માર્ચ સુધીમાં જ પોતાના જરૂરી કામો પતાવી લે.

આ પણ વાંચોઃ Lifestyle: ઉનાળામાં ત્વચાને મળશે 'હિમાલય' જેવી ઠંડક, વાપરો આ 5 કુદરતી વસ્તુઓ