બેંક યુનિયનોએ પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને ત્રણ તબક્કામાં હડતાળનું એલાન કર્યું છે. યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) દ્વારા બેંક કર્મચારીઓની હડતાળનું આહ્વાન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત 11 સપ્ટેમ્બરે એક દિવસની હડતાળ, 28થી 30 સપ્ટેમ્બર સુધી ત્રણ દિવસની હડતાળ અને 26 ઓક્ટોબર 2026થી અનિશ્ચિતકાળીન હડતાળનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે.
પાંચ દિવસનું બેંકિંગ સપ્તાહ લાગુ કરવાની માંગ
બેંક યુનિયનોની મુખ્ય માંગણીઓમાં 8 માર્ચ 2024ના રોજ થયેલા કરાર મુજબ પાંચ દિવસનું બેંકિંગ સપ્તાહ લાગુ કરવાની માંગ સામેલ છે. આ ઉપરાંત સરકારની પરફોર્મન્સ લિન્ક્ડ ઇન્સેન્ટિવ (PLI) યોજના પરત ખેંચવાની માંગ કરવામાં આવી છે. યુનિયનોએ દ્વિપક્ષીય વાટાઘાટો દ્વારા પ્રોત્સાહન યોજનામાં સુધારો કરવાની અને લાંબા સમયથી પડતર રહેલા અન્ય મુદ્દાઓનો ઉકેલ લાવવાની પણ માંગ કરી છે. યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સનું કહેવું છે કે આ માંગણીઓને લઈને સરકાર અને બેંક મેનેજમેન્ટ તરફથી હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે બેંક કર્મચારીઓ અને યુનિયનોએ હડતાળનો નિર્ણય લીધો છે.
