જૂન મહિનાનો આજે છેલ્લો દિવસ એટલે કે 30 જૂન 2025 ત્યારે આ વખતે પણ દર મહિનાની જેમ, દેશમાં પહેલી તારીખથી ઘણા મોટા ફેરફારો લાગુ થવા જઈ રહ્યા છે. જુલાઈથી નાણાકીય અને નિયમનકારી બાબતોની સાથે રેલ્વે વિભાગમાં પણ નિયમો બદલાવા જઈ રહ્યા છે.
રેલ્વે મુસાફરીમાં મોંઘવારીની માર
રેલ્વેની મુસાફરી માટે ભારતમાં એમ કહેવાતું હોય છે કે રેલ્વે મુસાફરી એટલે ગરીબ અને સામાન્ય વર્ગની જીવાદોરી. સામાન્ય વર્ગના લોકો માટે અને આર્થિક રીતે પછાત વર્ગ માટે રેલ્વેની મુસાફરી સૌથી સરળ અને આર્થિક રીતે સસ્તી અને સુવિધાજનક માનવામાં આવે છે. ત્યારે હવે રેલ્વે મુસાફરીમાં પણ મોંઘવારીની માર લાગવાની છે કેમકે 1 જુલાઈથી ટ્રેન ભાડામાં થોડો વધારો થવાનો છે. જો તમે મેલ કે એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરો છો, તો નોન-એસી ક્લાસમાં પ્રતિ કિલોમીટર 1 પૈસા અને એસી ક્લાસમાં 2 પૈસાનો વધારો થશે.
સેકન્ડ ક્લાસનું ભાડું યથાવત રહેશે
1 જુલાઈથી ટ્રેન ભાડામાં વધારો થયાના સમાચાર વચ્ચે એક રેલ્વે વિભાગ તરફથી એક રાહતના સમાચાર પણ સામે આવી રહ્યા છે. સારા સમાચાર એ છે કે 500 કિમી સુધીની મુસાફરી માટે સેકન્ડ ક્લાસનું ભાડું યથાવત રહેશે. પરંતુ જો તમે 500 કિમીથી વધુ મુસાફરી કરી રહ્યા છો, તો તમારે પ્રતિ કિલોમીટર ભાડામાં અડધા પૈસા વધારાનો ચૂકવવો પડી શકે છે. જોકે વિશ્લેષક એવું માની રહ્યા છે કે આ વધારો નજીવો છે અને મુસાફરોની સુવિધા માટે અન્ય ફેરફારો લાગુ કરવામાં મદદ કરશે.
રિઝર્વેશન ચાર્ટના સમયમાં વધારો
રિઝર્વેશન ચાર્ટ અત્યાર સુધી માત્ર 4 કલાક પહેલા જ જાહેર કરવામાં આવતો હતો અને આ કારણથી મુસાફરોને ઘણી તકલીફ પણ પડતી હતી. રેલ્વે વિભાગે મુસાફરોની આ સમસ્યાને ધ્યાનમાં રાખીને રિઝર્વેશન ચાર્ટના સમયમાં પણ વધારો કર્યો છે. અત્યાર સુધી રેલ્વે રિઝર્વેશન ચાર્ટ ટ્રેન ઉપડવાના માત્ર 4 કલાક પહેલા તૈયાર કરવામાં આવતો હતો. આના કારણે વેઇટિંગ લિસ્ટમાં રહેલા મુસાફરોને ઘણી મુશ્કેલી પડતી હતી. આથી હવે 1 જુલાઈથી, રિઝર્વેશન ચાર્ટ ટ્રેન ઉપડવાના 8 કલાક પહેલા તૈયાર થઈ જશે.
તત્કાલ બુકિંગમાં હવે આધાર જરૂરી
જો તમે તત્કાલ ટિકિટ બુક કરો છો, તો 1 જુલાઈ, 2025થી નિયમો બદલાવા જઈ રહ્યા છે. હવે ફક્ત ચકાસાયેલ વેરીફાઇડ યુજર્સને જ IRCTC પ્લેટફોર્મ પર તત્કાલ ટિકિટ બુક કરાવી શકશે. આ માટે, તમારે આધાર કાર્ડ અથવા DigiLocker માં સેવ કરેલા કોઈપણ માન્ય સરકારી દસ્તાવેજથી તમારી ઓળખ ચકાસવી પડશે. જુલાઈના અંત સુધીમાં, રેલવે પણ OTP આધારિત ચકાસણી શરૂ કરવા જઈ રહી છે.
નવી PRS સિસ્ટમ તૈયાર કરવામાં આવશે
રેલવે તેની પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (PRS) ને સંપૂર્ણપણે અપગ્રેડ કરવા જઈ રહી છે. સેન્ટર ફોર રેલ્વે ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ (CRIS) આ કાર્ય હાથ ધરી રહ્યું છે અને એવી અપેક્ષા છે કે આ નવી સિસ્ટમ ડિસેમ્બર 2025 સુધીમાં તૈયાર થઈ જશે. આ નવી સિસ્ટમ વર્તમાન સિસ્ટમ કરતા 10 ગણી ઝડપી હશે. વર્તમાન સિસ્ટમ પ્રતિ મિનિટ 32,000 ટિકિટ બુકિંગને હેન્ડલ કરી શકે છે, પરંતુ નવી સિસ્ટમ પ્રતિ મિનિટ 1.5 લાખ ટિકિટ બુકિંગને સપોર્ટ કરશે.













