તમે હોલમાર્ક જોઈને સોનું ખરીદ્યું. તમને વિશ્વાસ હતો કે સરકાર દ્વારા તેની શુદ્ધતાની ખાતરી આપવામાં આવી છે. પરંતુ દેશના સરકારી ઓડિટર CAGના એક ડ્રાફ્ટ રિપોર્ટે આ વિશ્વાસને ઝટકો આપ્યો છે. રિપોર્ટ મુજબ, સોનાની શુદ્ધતા તપાસતી સરકારી સંસ્થા ભારતીય માનક બ્યુરો (BIS) છેલ્લા પાંચ વર્ષમાં 80%થી વધુ નોંધાયેલા જ્વેલર્સની દુકાનોમાં તપાસ કરવા પહોંચી જ નથી. એવામાં બજારોમાં સોનું નકલી વેચાતું હોય તેવું પણ બની શકે છે.
એટલે કે દાગીના પર હોલમાર્ક તો છે, પરંતુ તેની પાછળ થતી દેખરેખની વ્યવસ્થા જ નબળી પડી છે. હાલમાં દેશમાં લગભગ 2.3 લાખ જ્વેલરી શોપ BISમાં નોંધાયેલી છે. દેશના 392 જિલ્લાઓમાં હોલમાર્ક વગરનું સોનું વેચવું ગેરકાયદેસર છે.
તો શું તમારી તિજોરીમાં રાખેલું સોનું ખરેખર શુદ્ધ છે? અને આ સમગ્ર મામલો કેટલો ગંભીર છે?
સૌથી પહેલાં સમજો, હોલમાર્કિંગ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે?
હોલમાર્ક માત્ર એક મહોર નથી, પરંતુ તેની પાછળ એક આખી પ્રક્રિયા કામ કરે છે.
સૌપ્રથમ જ્વેલર BISમાં નોંધણી કરાવે છે. ત્યારબાદ તે પોતાના સોનાના દાગીના BIS દ્વારા માન્યતા પ્રાપ્ત એસેઇંગ એન્ડ હોલમાર્કિંગ સેન્ટર (AHC)માં તપાસ માટે મોકલે છે. અહીં સોનાની શુદ્ધતાની ચકાસણી કરવામાં આવે છે. ત્યારબાદ દરેક દાગીના પર 6 અક્ષરનો આલ્ફાન્યૂમેરિક HUID (હોલમાર્ક યુનિક આઇડી) આપવામાં આવે છે.
આ HUID જ દાગીનાની ઓળખ છે. ગ્રાહકો BISની એપ દ્વારા તેને સ્કેન કરીને દાગીનાની વિગતો અને તેની શુદ્ધતા ચકાસી શકે છે.
સરકારી આંકડા મુજબ, 31 જુલાઈ 2026 સુધીમાં 65 કરોડથી વધુ સોનાના દાગીનાને HUID આપવામાં આવી ચૂક્યા છે. BISમાં નોંધાયેલા જ્વેલર્સની સંખ્યા 43,153થી વધીને 2,29,590 થઈ છે. જ્યારે AHCની સંખ્યા પણ 948થી વધીને 1,577 થઈ છે.
એટલે કે હોલમાર્કિંગ સિસ્ટમનું માળખું તો મોટું થયું છે, પરંતુ CAGનો સવાલ આ માળખાની દેખરેખને લઈને છે.
CAGના ડ્રાફ્ટ રિપોર્ટમાં ચોંકાવનારા આંકડા શું છે?
CAGએ BISની કામગીરીનું ઓડિટ કર્યું હતું. તેમાં સામે આવ્યું કે નિયમ મુજબ BISએ દર વર્ષે ઓછામાં ઓછું એક વખત દરેક નોંધાયેલા જ્વેલરની દુકાનની મુલાકાત લઈને તપાસ કરવાની હોય છે. પરંતુ વાસ્તવમાં આવું થયું નથી.
'ધ હિન્દુ બિઝનેસલાઇન'ના અહેવાલ મુજબ, 2020-21થી લઈને પાંચ વર્ષના સમયગાળામાં BISના અધિકારીઓ 83.25% નોંધાયેલા જ્વેલર્સની દુકાનોમાં તપાસ માટે પહોંચ્યા જ નથી.
માત્ર 2024-25ના વર્ષનો આંકડો જોઈએ તો તે દરમિયાન 28,865 લાઇસન્સધારક જ્વેલર્સ હતા. તેમાંથી માત્ર 5,444ની જ તપાસ કરવામાં આવી હતી. એટલે કે 81.13% જ્વેલર્સની દુકાનોની તપાસ જ થઈ નહોતી.
માત્ર જ્વેલર્સ જ નહીં, પરંતુ સોનાની શુદ્ધતા તપાસતાં કેન્દ્રો એટલે કે AHCની દેખરેખ રાખવામાં પણ BIS નિષ્ફળ રહ્યું છે.
રિપોર્ટ મુજબ, BIS આ કેન્દ્રોની તપાસ માટે નક્કી કરેલા લક્ષ્યાંક કરતાં 43.7% પાછળ રહ્યું છે. એટલે કે જે કેન્દ્રોમાં સોનાની શુદ્ધતા તપાસવામાં આવે છે, તેમની પણ યોગ્ય દેખરેખ રાખવામાં આવી રહી નથી.
CAGએ આ બેદરકારી સામે લાવ્યા બાદ BISએ પોતાની સફાઈમાં જણાવ્યું હતું કે કર્મચારીઓની અછત છે અને દૂરનાં વિસ્તારોમાંથી નમૂના એકત્રિત કરવામાં મુશ્કેલીઓ આવે છે.
પરંતુ CAGએ આ દલીલ સ્વીકારી નથી. ઓડિટરનો સવાલ છે કે જો નવા લાઇસન્સ અને નોંધણી આપવામાં કોઈ મુશ્કેલી નડતી નથી, તો પછી તેમની તપાસ કરવામાં મુશ્કેલી કેમ પડે છે?
CAGનું માનવું છે કે BISએ જ્વેલર્સને લાઇસન્સ આપવા પર તો ધ્યાન આપ્યું, પરંતુ તેમની કામગીરીની નિયમિત તપાસ કરવા પર પૂરતું ધ્યાન આપ્યું નથી.
સોનાના ખરીદી કરતા લોકોએ શું સમજવું?
હોલમાર્કિંગ શરૂ કરવાનો મુખ્ય હેતુ ગ્રાહકોને છેતરપિંડીથી બચાવવાનો અને સોનાની શુદ્ધતા અંગે સાચી માહિતી આપવાનો હતો.
સરકારી દસ્તાવેજોમાં પણ સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે હોલમાર્કિંગનો હેતુ ગ્રાહકોને છેતરપિંડીથી બચાવવાનો અને તેમને જેટલી શુદ્ધતાનું સોનું બતાવવામાં આવે છે, એટલી જ શુદ્ધતાનું સોનું મળે તે સુનિશ્ચિત કરવાનો છે.
પરંતુ જો 81% જેટલી જ્વેલર્સની દુકાનોની વાર્ષિક તપાસ જ થતી ન હોય, તો પછી HUID ધરાવતા દાગીનાની શુદ્ધતાની ખાતરી કોણ આપી રહ્યું છે?
CAGના રિપોર્ટમાં સીધો સવાલ ઉઠાવવામાં આવ્યો છે કે દાગીના પર હોલમાર્ક હોવો અને હોલમાર્કિંગની વ્યવસ્થાની યોગ્ય દેખરેખ રાખવી એ બંને અલગ બાબતો છે.
સિસ્ટમે હોલમાર્કિંગની સુવિધા અને નોંધણીનું માળખું તો મજબૂત બનાવ્યું છે, પરંતુ તેની દેખરેખની વ્યવસ્થા નબળી પડી છે.
તો શું હવે હોલમાર્ક પર ભરોસો ન કરવો?
CAGનો આ ડ્રાફ્ટ રિપોર્ટ હજુ સંસદમાં રજૂ થવાનો બાકી છે. ગ્રાહક બાબતોના મંત્રાલય પાસેથી અંતિમ જવાબ મળ્યા બાદ તેને સંસદમાં રજૂ કરવામાં આવશે.
આ રિપોર્ટે એક વાત સ્પષ્ટ કરી છે કે હોલમાર્કિંગ સોનાની શુદ્ધતા ચકાસવા માટેનું મહત્ત્વનું પગલું છે, પરંતુ માત્ર હોલમાર્ક હોવું એટલે સંપૂર્ણ ગેરંટી હોવી એવું નથી.
નિષ્ણાતોના મતે, જ્યાં સુધી BISની દેખરેખની વ્યવસ્થા મજબૂત ન બને ત્યાં સુધી સોનું ખરીદતી વખતે માત્ર હોલમાર્ક જોઈને સંતોષ માનવો નહીં.
સોનું ખરીદતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો:
- દાગીના પરનો 6 અક્ષરનો HUID નંબર જરૂર ચકાસો.
- BISની એપ દ્વારા HUID સ્કેન કરીને દાગીનાની વિગતો અને શુદ્ધતાની ખરાઈ કરો.
- સોનું ખરીદ્યા બાદ તેનું પાકું બિલ જરૂર મેળવો અને સાચવી રાખો.
- દાગીનાની શુદ્ધતા અંગે શંકા હોય તો તેની યોગ્ય તપાસ કરાવો.
કારણ કે સરકારી વ્યવસ્થાની દેખરેખ જેટલી નબળી હશે, ગ્રાહક તરીકે તમારી સતર્કતા એટલી જ જરૂરી બનશે.
