સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સિસ અને કસ્ટમસ (CBIC) દ્વારા કસ્ટમ ડ્યુટી પેમેન્ટની ચૂકવણી પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. હવે કંપનીઓ ICEGATE portal પર યુપીઆઈ, ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ દ્વારા સરળતાથી કસ્ટમ ડ્યુટી ચૂકવી શકશે.

પેમેન્ટની પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બનશે

CBICએ જાહેર કરેલા સર્ક્યુલર મુજબ, ICEGATE ઈ-પેમેન્ટ પ્લેટફોર્મમાં પેમેન્ટ એગ્રીગેટરને અધિકૃત માધ્યમ તરીકે સામેલ કરવામાં આવ્યો છે, જેના કારણે પેમેન્ટની પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બનશે. અગાઉ કસ્ટમ ડ્યુટીની ચુકવણી મર્યાદિત બેન્કો અને નેટ બેન્કિંગ, NEFT/RTGS જેવા પરંપરાગત માધ્યમો સુધી જ સીમિત હતી.

ICEGATE એક મહત્વપૂર્ણ ડિજિટલ પ્લેટફોર્મ છે, જેના માધ્યમથી ઈમ્પોર્ટર અને એક્સપોર્ટર દસ્તાવેજો સબમિટ કરે છે, મંજૂરીની સ્થિતિ ટ્રેક કરે છે અને શુલ્ક ચૂકવે છે. નવા સુધારાથી હવે કંપનીઓને વિશાળ બેન્કિંગ નેટવર્કનો લાભ મળશે અને ચુકવણી પ્રક્રિયામાં વધુ ગતિ આવશે.

વ્યવસાય સરળ બનાવશે

ટેક્સ નિષ્ણાતોના જણાવ્યા મુજબ યુપીઆઈ જેવી સુવિધા ઉમેરાતા ખાસ કરીને નાના વેપારીઓને વધુ ફાયદો થશે, કારણ કે આ સરળ, ઝડપી અને ઓછા ખર્ચાળ વિકલ્પ છે. ઉપરાંત, સમયસંવેદનશીલ મંજૂરી પ્રક્રિયાઓમાં પણ ઝડપ આવશે. આ સુધારો ઈમ્પોર્ટર અને એક્સપોર્ટર માટે વ્યવસાય સરળ બનાવશે, રોકડ પ્રવાહ વ્યવસ્થાપન સુધારશે અને ટ્રાન્ઝેક્શન પ્રક્રિયામાં પારદર્શિતા લાવશે. આ પગલું “ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ”ને પ્રોત્સાહન આપતા ભારતના પ્રયાસોને વધુ મજબૂત બનાવે છે.


આ પણ વાંચો : India બનાવી રહ્યું છે પોતાનું 'S-400' મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ, પ્રથમ ટ્રાયલ રહ્યો સફળ