23 વર્ષની કાયદાકીય લડાઈ પછી મુસાફર પી. સુંદરાપેરીપોર્નમને આખરે ન્યાય મળ્યો છે. મદ્રાસ હાઈકોર્ટે એર ઈન્ડિયાને મુસાફરને 35,000 રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ કેસ 2002નો છે, જ્યારે કોલંબોથી ચેન્નાઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઇટમાં એક મુસાફરના ભોજનમાં વાળ મળી આવ્યો હતો.

એર ઈન્ડિયા ફ્લાઈટ કેસ શું હતો?

26 જુલાઈ, 2002ના રોજ પી. સુંદરાપેરીપોર્નમ એર ઈન્ડિયાની ફ્લાઈટ IC 574માં મુસાફરી કરી રહ્યા હતા. જ્યારે તેમને ભોજન પીરસવામાં આવ્યું, ત્યારે તે સીલબંધ પેકેજમાં હતો. પેકેજ ખોલતાં તેમને ખોરાકમાં વાળના રેસા જોવા મળ્યા. આ દૃશ્ય જોઈને તેમને ઘૃણા થઈ અને તેઓ બીમાર પડી ગયા. તેમણે ફ્લાઈટમાં ફરિયાદ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈ ફરિયાદ બોક્સ ન હતું અને સ્ટાફે તેમની અવગણના કરી.

ચેન્નાઈ પહોંચ્યા પછી તેમણે એર ઈન્ડિયાના ડેપ્યુટી જનરલ મેનેજરને લેખિત ફરિયાદ સુપરત કરી. એર ઈન્ડિયાએ પત્ર મોકલીને દુ:ખ વ્યક્ત કર્યું અને તપાસનું વચન આપ્યું. ત્યારબાદ સુંદરપરિપોર્નમે વકીલ દ્વારા નોટિસ મોકલી, જેમાં ઉલટી, ઝાડા અને પેટમાં દુખાવો હોવાનું કારણ આપીને ₹11 લાખનું વળતર માગ્યુ હતું. એર ઈન્ડિયાએ બીજી માફી માગી પરંતુ જણાવ્યું કે આ ઘટના બેદરકારી નહોતી, પરંતુ ભોજન બનાવનાર હોટલની ભૂલ હતી.

કોર્ટે એર ઈન્ડિયાની ભૂલ સ્વીકારી

એર ઈન્ડિયાએ કોર્ટમાં દલીલ કરી હતી કે ભોજન ચેન્નાઈની એમ્બેસેડર પલ્લવ હોટેલમાંથી મગાવવામાં આવ્યું હતું અને તેથી હોટેલ જવાબદાર છે. તેમણે એવી પણ દલીલ કરી હતી કે જ્યારે મુસાફરે પેકેજ ખોલ્યું, ત્યારે બીજા મુસાફરના વાળ ખરી પડ્યા હશે. મદ્રાસ હાઈકોર્ટે અવલોકન કર્યું હતું કે એર ઈન્ડિયા પોતાના નિવેદનોને મૂંઝવણમાં મૂકી રહી છે - એક તરફ કોઈ ફરિયાદ કરવામાં આવી ન હોવાનો દાવો કરી રહી છે, જ્યારે બીજી તરફ સ્વીકારી રહી છે કે ફરિયાદ કરવામાં આવી હતી. કોર્ટે જણાવ્યું હતું કે એર ઈન્ડિયાએ પોતે સ્વીકાર્યું છે કે ખોરાકમાં વાળ મળી આવ્યો હતો, જે તેને બેદરકારીનો સ્પષ્ટ કેસ બનાવે છે.

ઉડ્ડયન કંપની જવાબદારીમાંથી છટકી શકે નહીં

res ipsa loquiturના કાયદાકીય સિદ્ધાંતને લાગુ કરીને કોર્ટે ચુકાદો આપ્યો કે મુસાફરે ભૂલ કેવી રીતે થઈ તે સાબિત કરવાની જરૂર નથી, એરલાઈન્સે સાબિત કરવું પડશે કે તેણે યોગ્ય ખંતનો ઉપયોગ કર્યો છે. જો કે, કોર્ટે સ્વીકાર્યું કે મુસાફરે ગંભીર નુકસાન સાબિત કરતા કોઈ તબીબી પુરાવા પૂરા પાડ્યા નથી અને તેથી ટ્રાયલ કોર્ટ દ્વારા આપવામાં આવેલ ₹1 લાખ વળતર ઘટાડીને ₹35,000 કર્યું. કોર્ટે નોંધ્યું કે ટિકિટમાં ભોજનનો સમાવેશ કરવામાં આવ્યો હતો, તેથી જો ખોરાક હોટલમાંથી લેવામાં આવ્યો હોય તો પણ એર ઈન્ડિયા જવાબદાર રહેશે. આખરે કોર્ટે એર ઈન્ડિયાને 4 અઠવાડિયામાં મુસાફરને ₹35,000 ચૂકવવાનો આદેશ આપ્યો. આ નિર્ણયથી સ્પષ્ટ થયું કે એરલાઈનની જવાબદારી સલામત ફ્લાઈટ સુનિશ્ચિત કરવા ઉપરાંત ખોરાક અને પીણાંની ગુણવત્તા અને સ્વચ્છતા જાળવવાની પણ છે.