આ વખતે દિવાળી પર કેન્દ્ર સરકાર પોતાના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટી ભેટ લાવી શકે છે. એક તરફ મોંઘવારી ભથ્થામાં અને મોંઘવારીમાં વધારાની તૈયારીઓ ચાલી રહી છે જ્યારે બીજી તરફ પીએમ મોદી જીએસટી રિફોર્મ્સને દિવાળી પહેલા લાગુ કરવાની વાત કરી છે. જેનો ફાયદો સામાન્ય લોકોને, વેપારીઓ ખાસ કરીને સરકારી કર્મચારીઓને મળશે.
માર્ચ 2025માં કેન્દ્રીય કેબિનેટએ કેન્દ્ર સરકારના 48લાખથી વધારે કર્મીઓ અને 66 લાખથી વધારે પેશનર્સ માટે 2 ટકા DA/DRમાં વધારાની મંજૂરી આપી હતી. જે જાન્યુઆરી 2025થી લાગુ થઇ ચૂકી છે.
કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને 55% ના દરે DA અને DR મળી રહ્યા છે. 7મા પગાર પંચ મુજબ કેન્દ્ર સરકારના કર્મચારીઓનો લઘુત્તમ મૂળ પગાર ₹18,000 છે અને પેન્શનરોનું લઘુત્તમ પેન્શન ₹9,000 છે. 55% DA સાથે, એક કર્મચારીને કુલ ₹27,900 અને એક પેન્શનરને ₹13,950 મળી રહ્યા છે.
ક્યારે થશે વધારો?
દર વર્ષે સરકાર બે વાર DAમાં વધારો કરે છે, એક વાર જાન્યુઆરીમાં અને બીજો જુલાઈમાં. હવે જુલાઈ 2025 માટે આગામી વધારો સપ્ટેમ્બરમાં જાહેર થવાની ધારણા છે. મીડિયા અહેવાલો અનુસાર, આ વખતે DAમાં 3% નો વધારો થઈ શકે છે. જો આવું થાય, તો DA 58% થઈ જશે. તે દિવાળીની આસપાસ લાગુ થઈ શકે છે.
દિવાળી ભેટની પીએમએ કરી જાહેરાત
મહત્વનું છે કે પીએમ મોદીએ તાજેતરમાં રાજ્ય સરકારોને પ્રસ્તાવિત GST સુધારાઓને લાગુ કરવામાં કેન્દ્ર સરકારને સહયોગ કરવા જણાવ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે દિવાળી પહેલા આ સુધારાઓ લાગુ કરવામાં આવશે અને ગરીબ, મધ્યમ વર્ગ અને નાના-મોટા ઉદ્યોગપતિઓને તેનો લાભ મળશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે અમે સુધારાઓને સુશાસનનું પ્રતીક માનીએ છીએ. અમારો ઉદ્દેશ્ય જીવન અને વ્યવસાયને સરળ બનાવવાનો છે. તેથી જ અમે GST હેઠળ આગામી પેઢીના સુધારાઓ લાવી રહ્યા છીએ. આ સુધારાઓ આ દિવાળીએ લોકો માટે ડબલ બોનસ સાબિત થશે.
8મું પગાર પંચને લઇને શું?
જાન્યુઆરી 2025 માં કેન્દ્ર સરકારે 8મા પગાર પંચને મંજૂરી આપી હતી, પરંતુ તેનું સત્તાવાર સૂચના આવવાનું બાકી છે. નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સંસદમાં જણાવ્યું હતું કે સૂચના સમયસર જાહેર કરવામાં આવશે. આનો અર્થ એ છે કે ભવિષ્યમાં, કર્મચારીઓના પગાર અને પેન્શનમાં વધુ સુધારા જોવા મળી શકે છે.