દિલ્હી હાઈકોર્ટે ડાબર ઈન્ડિયાને 'કૂલ કિંગ ઠંડા તેલ'ના હાલના સ્ટોકનું વેચાણ 30 સપ્ટેમ્બર સુધી કરવાની મંજૂરી આપી છે. ડાબર અને ઈમામી લિમિટેડ વચ્ચે ચાલી રહેલા ટ્રેડ ડ્રેસ વિવાદમાં બંને પક્ષો વચ્ચે સહમતિ બન્યા બાદ કોર્ટે આ નિર્દેશ આપ્યો છે.
હાલના સ્ટોકને 30 સપ્ટેમ્બર સુધી વેચી શકાશે
કોર્ટના આદેશ અનુસાર, ડાબર પાસે રહેલા 9,020 કાર્ટનના હાલના સ્ટોકને 30 સપ્ટેમ્બર સુધી વેચી શકાશે. જોકે, આ માટે કેટલીક શરતો પણ નક્કી કરવામાં આવી છે. 30 સપ્ટેમ્બર બાદ બચેલો સ્ટોક પરત ખેંચવો પડશે. ઉપરાંત, ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર આ સ્ટોકનું વેચાણ બંધ કરવું પડશે અને ત્યારબાદ મંજૂર કરાયેલ સ્ટોક માત્ર ભૌતિક દુકાનો મારફતે જ વેચી શકાશે. જો 30 સપ્ટેમ્બર બાદ બચેલો સ્ટોક પરત ખેંચવામાં મુશ્કેલી પડે તો ડાબરને અલગ પેકેજિંગનો ઉપયોગ કરવો પડશે.
ટ્રેડમાર્કનું ઉલ્લંઘન કરવાનો આરોપ
આ સમગ્ર મામલો ડાબરના 'કૂલ કિંગ ઠંડા તેલ' અને ઈમામીના 'નવરત્ન આયુર્વેદિક ઓઈલ' વચ્ચેના પેકેજિંગ અને ટ્રેડ ડ્રેસને લઈને ચાલી રહેલા વિવાદ સાથે જોડાયેલો છે. ઈમામીએ ડાબર પર તેના પ્રોડક્ટની પેકેજિંગની નકલ કરવાનો, ટ્રેડમાર્કનું ઉલ્લંઘન કરવાનો અને અનફેર ટ્રેડ પ્રેક્ટિસ કરવાનો આરોપ લગાવ્યો હતો.
આ શરતને આધીન મળી મંજૂરી
આ વિવાદમાં જાન્યુઆરીમાં દિલ્હી હાઈકોર્ટે ડાબરને વિવાદિત પેકેજિંગ સાથે પ્રોડક્ટનું વેચાણ કરવા પર રોક લગાવી હતી. ત્યારબાદ બંને કંપનીઓ વચ્ચે ચર્ચા અને સહમતિ બાદ હાલના સ્ટોકના વેચાણ માટે કોર્ટ સમક્ષ મંજૂરી માગવામાં આવી હતી. જસ્ટિસ વી. કામેશ્વર રાવ અને જસ્ટિસ મનમીત પ્રીતમ સિંહ અરોરાની ખંડપીઠે 10 ઓગસ્ટે આ મામલે આદેશ આપ્યો હતો. ઈમામીની સંમતિને ધ્યાનમાં રાખીને ડાબરને મર્યાદિત સમય માટે હાલનો સ્ટોક વેચવાની મંજૂરી આપવામાં આવી છે.
આ પણ વાંચો : Air Indiaના દરેક પાઇલટ્સનું થશે ડ્રગ ટેસ્ટિંગ... ગાંજા કાંડ બાદ લેવોયો મોટો નિર્ણય