નાણાકીય વર્ષ 2024-25માં ભારતનું સંરક્ષણ ઉત્પાદન રેકોર્ડ સ્તરે પહોંચ્યું છે. આ આંકડો 1,50,590 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે. આ ગયા વર્ષ કરતાં લગભગ 18% વધુ છે અને 2019-20ની સરખામણીમાં 90%નો મોટો વધારો છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે શનિવારે આ વાતની પુષ્ટિ કરી છે.

https://twitter.com/rajnathsingh/status/1954047252751954286

સંરક્ષણ પ્રધાને જાહેર ક્ષેત્રની કંપનીઓ અને ખાનગી ઉદ્યોગની મહેનતની પ્રશંસા કરી

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આ સિદ્ધિ માટે DPSU, જાહેર ક્ષેત્રની કંપનીઓ અને ખાનગી ઉદ્યોગની મહેનતની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે, આ સ્પષ્ટ સંકેત છે કે દેશનું સંરક્ષણ ઔદ્યોગિક માળખું સતત મજબૂત થઈ રહ્યું છે. સંરક્ષણ મંત્રીએ 'સામૂહિક પ્રયાસો'ની પ્રશંસા કરી અને તેને 'ઐતિહાસિક સિદ્ધિ' ગણાવી છે. સંરક્ષણ મંત્રીએ કહ્યું "સંરક્ષણ ઉત્પાદનના ક્ષેત્રમાં વધતી પ્રગતિ ભારતના મજબૂત થતા સંરક્ષણ ઔદ્યોગિક આધારનો સ્પષ્ટ સંકેત છે."

કોણે કેટલું યોગદાન આપ્યું?

સંરક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતનું સંરક્ષણ ઉત્પાદન રેકોર્ડ સ્તરે પહોંચ્યું છે. તેમણે કહ્યું, "નાણાકીય વર્ષ 2024-25માં વાર્ષિક સંરક્ષણ ઉત્પાદન વધીને રૂ. 1,50,590 કરોડના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યું છે." આમાં જાહેર ક્ષેત્ર અને DPSUનું યોગદાન 77% છે. જ્યારે ખાનગી ક્ષેત્રનું યોગદાન 23% છે, જે ગયા વર્ષે 21%થી વધ્યું છે. સંરક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે નીતિગત સુધારા, વ્યવસાય કરવામાં સરળતા અને સ્વદેશીકરણ પર ભાર મૂકવાથી આ વૃદ્ધિને વેગ મળ્યો છે. આ વર્ષે DPSU નું ઉત્પાદન 16% અને ખાનગી ક્ષેત્રનું ઉત્પાદન 28% વધ્યું છે.

નિકાસમાં પણ બનાવ્યો નવો રેકોર્ડ

સંરક્ષણ નિકાસ ગયા વર્ષ કરતાં રૂ. 2,539 કરોડ વધીને રૂ. 23,622 કરોડના સર્વકાલીન ઉચ્ચ સ્તરે છે. સરકારનો ઉદ્દેશ્ય આયાત પરની નિર્ભરતા ઘટાડવાનો અને એક એવો સંરક્ષણ ઉદ્યોગ બનાવવાનો છે જે ભારતની જરૂરિયાતો પૂરી કરી શકે અને વિશ્વમાં પોતાનું સ્થાન બનાવી શકે. નાણાકીય વર્ષ 2024-25માં સંરક્ષણ ઉત્પાદન 1,50,590 કરોડ રૂપિયાના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયું છે. આ અગાઉના નાણાકીય વર્ષ 2023-24માં 1.27 લાખ કરોડ રૂપિયાની સરખામણીમાં 18 ટકાનો વધારો દર્શાવે છે. વર્ષ 2019-20માં આ આંકડો 79,071 કરોડ રૂપિયા હતો, એટલે કે 5 વર્ષમાં 90 ટકાનો જબરદસ્ત વધારો થયો છે.