દેશના પહેલા વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુનું પહેલું સત્તાવાર નિવાસસ્થાન હવે વેચાઈ ગયું છે. લુટિયન્સ દિલ્હીનો આ બંગલો લગભગ 3.7 એકરમાં ફેલાયેલો છે.
આ બંગલો હવે વેચાઈ ગયો છે
લુટિયન્સ દિલ્હીમાં 17 મોતીલાલ નેહરુ માર્ગ, જેને પહેલા યોર્ક રોડ પણ કહેવામાં આવતો હતો તે રોડ પર સ્થિત, આ બંગલો 14,973 ચોરસ મીટર (લગભગ 3.7 એકર) માં ફેલાયેલો છે. આ બંગલા વિશે મોટી માહિતી બહાર આવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ બંગલો હવે વેચાઈ ગયો છે. આ દેશનો સૌથી મોંઘો રહેણાંક મિલકતનો સોદો છે.
મોટા ઉદ્યોગપતિએ લગભગ 1,100 કરોડ રૂપિયામાં આ સોદો કર્યો
ઇકોનોમિક ટાઇમ્સે સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે આ બંગલાના માલિકોએ 1,400 કરોડ રૂપિયા માંગ્યા હતા. જોકે, ભારતીય પીણા ઉદ્યોગ સાથે સંકળાયેલા એક મોટા ઉદ્યોગપતિએ લગભગ 1,100 કરોડ રૂપિયામાં આ સોદાને અંતિમ સ્વરૂપ આપ્યું છે.
કોણ છે હાલ આ બંગલાનો માલિક
રાજકુમારી કક્કર અને બીના રાની આ બંગલાના વર્તમાન માલિકો છે. તે બંને રાજસ્થાનના એક રાજવી પરિવારના છે. ઇકોનોમિક ટાઇમ્સ રિપોર્ટ અનુસાર, એક જાણીતી કાયદા પેઢીએ કાનૂની પ્રક્રિયાના અંતિમ તબક્કાના ભાગ રૂપે જાહેર નોટિસ જારી કરી છે.
નોટિસ પ્રસિદ્ધ કરાઇ
નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, 'અમારા ગ્રાહકો આ મિલકત (પ્લોટ નં. 5, બ્લોક નં. 14, 17, મોતીલાલ નહેરુ માર્ગ) ખરીદવામાં રસ ધરાવે છે. આ મિલકતના વર્તમાન માલિકો રાજકુમારી કક્કર અને બીના રાની છે. જો કોઈ અન્ય વ્યક્તિનો આ મિલકત પર કોઈ અધિકાર કે દાવો હોય, તો તેણે સાત દિવસની અંદર દસ્તાવેજી પુરાવા સાથે અમને જાણ કરવી. નહીં તો એવું માનવામાં આવશે કે આ મિલકત પર કોઈનો કોઈ વિરોધી દાવો નથી.'
ખૂબ જ મૂલ્યવાન મિલકત
14,973 ચોરસ મીટરમાં બનેલી આ વિશાળ મિલકત વેચવા માટે એક વર્ષથી વાતચીત ચાલી રહી હતી. કેસ સાથે સંકળાયેલા એક વ્યક્તિએ જણાવ્યું હતું કે તેનું સ્થાન, VVIP દરજ્જો અને કદ ધ્યાનમાં લેતા, તે ખૂબ જ મૂલ્યવાન મિલકત છે, પરંતુ કિંમતને કારણે, ફક્ત અબજોપતિ ખરીદદારો જ તેમાં રસ દાખવી શકે છે.
એડવિન લુટિયન્સ દ્વારા 1912 અને 1930 ની વચ્ચે ડિઝાઇન કરવામાં આવ્યો
આ મિલકત લુટિયન્સ બંગલા ઝોનમાં આવેલી છે, જે બ્રિટિશ આર્કિટેક્ટ એડવિન લુટિયન્સ દ્વારા 1912 અને 1930 ની વચ્ચે ડિઝાઇન કરવામાં આવ્યો હતો. લગભગ 28 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા આ વિસ્તારમાં લગભગ 3,000 બંગલા છે, જેમાં મોટાભાગે મંત્રીઓ, ન્યાયાધીશો અને વરિષ્ઠ સરકારી અધિકારીઓ રહે છે. અહીં લગભગ 600 ખાનગી મિલકતો પણ છે, જે ભારતના સૌથી ધનિક લોકોના હાથમાં છે. આ સોદો પૂર્ણ થયા પછી, 17 મોતીલાલ નહેરુ માર્ગ પર સ્થિત આ બંગલાએ દેશની સૌથી મોંઘી રહેણાંક મિલકત વેચાણનો નવો રેકોર્ડ બનાવ્યો છે.