મુંબઈના પોશ વિસ્તાર જુહૂમાં એક એવી પ્રોપર્ટી ડીલ થઈ છે, જેની કિંમત સાંભળીને તમને વિશ્વાસ નહીં આવે. ₹711 કરોડની આ ડીલમાં કોઈ એક-બે ફ્લેટ નહીં, પરંતુ એક આખા રેસિડેન્શિયલ ટાવરની ખરીદી કરવામાં આવી છે. આ ટાવર એન્જલ વનના ફાઉન્ડર, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર દિનેશ ઠક્કરે ખરીદ્યો છે. 

દિનેશ ઠક્કરે જુહૂમાં આવેલા Embassy Terrazza પ્રોજેક્ટમાં આખો રેસિડેન્શિયલ ટાવર ખરીદવા માટે કરાર કર્યો છે. આ ટાવરનું RERA કાર્પેટ એરિયા આશરે 63,000 ચોરસ ફૂટ છે અને તેની કિંમત લગભગ ₹711 કરોડ હોવાનું કહેવાય છે. એટલે કે પ્રોપર્ટીની કિંમત આશરે ₹1.13 લાખ પ્રતિ ચોરસ ફૂટ થાય છે. આ પ્રોજેક્ટ જુહૂ તારા રોડ પર 2 એકરથી વધુ વિસ્તારમાં ફેલાયેલો છે. તેમાં આશરે 50 રેસિડેન્સ અને 5 ટાવર છે. સમગ્ર પ્રોજેક્ટની અંદાજિત ગ્રોસ ડેવલપમેન્ટ વેલ્યુ ₹3,000 કરોડથી વધુ છે.

કોણ છે દિનેશ ઠક્કર?

દિનેશ ઠક્કરનો જન્મ મુંબઈના મુલુંડમાં એક વેપારી પરિવારમાં થયો હતો. તેમનો પરિવાર ટેક્સટાઇલ ટ્રેડિંગના વ્યવસાય સાથે જોડાયેલો હતો. તેમણે થાણેની St John the Baptist High Schoolમાં અભ્યાસ કર્યો અને ત્યાર બાદ મુંબઈની Kishinchand Chellaram Collegeમાં વિજ્ઞાનનો અભ્યાસ કર્યો. જોકે, 12મા ધોરણ બાદ તેમણે પરંપરાગત ઉચ્ચ શિક્ષણ આગળ ચાલુ રાખ્યું નહોતું.

શરૂઆતમાં તેમણે પરિવારના ટેક્સટાઇલ વ્યવસાયમાં કામ કર્યું, પરંતુ બાદમાં પોતાનો રસ્તો પસંદ કરવાનો નિર્ણય લીધો. તેમણે મિત્રો પાસેથી પૈસા ઉધાર લઈને શેરબજારમાં રોકાણની શરૂઆત કરી અને ત્યાર બાદ બ્રોકિંગ બિઝનેસમાં પ્રવેશ કર્યો.

1992ના કૌભાંડ બાદ ઊભી કરી કંપની

બ્રોકિંગ બિઝનેસના શરૂઆતના સમયમાં ઠક્કરે ગ્રાહકોને ટ્રેડ કન્ફર્મેશન આપવા માટે વૉકી-ટૉકી જેવી ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો હતો. જોકે, 1992ના હર્ષદ મહેતા સિક્યોરિટીઝ કૌભાંડ દરમિયાન તેમને મોટો આર્થિક ફટકો પડ્યો અને તેઓ દેવામાં આવી ગયા. ત્યાર બાદ કેટલાક રોકાણકારોના સહયોગથી તેમને ફરીથી બિઝનેસ સંભાળવાની તક મળી.

1996માં Angel Brokingની શરૂઆત થઈ. સમય જતાં તે પરંપરાગત સ્ટોક બ્રોકિંગ કંપનીમાંથી ડિજિટલ ફાઇનાન્શિયલ સર્વિસિસ પ્લેટફોર્મમાં બદલાઈ ગઈ. કંપનીના જણાવ્યા અનુસાર, તેનું ડિજિટલ પરિવર્તન 2019માં શરૂ થયું હતું.

પરિવાર માટે બનાવશે નવું ઘર

ઠક્કરે જુહૂની પ્રાઇવસી, મોટી જગ્યા અને સમુદ્રના સુંદર નજારાને આ પ્રોપર્ટી પસંદ કરવાના મુખ્ય કારણો ગણાવ્યા છે. તેમણે આ નવા ઘરને ‘Angelus’ નામ આપ્યું છે અને તેનો ઉપયોગ પોતાના પરિવાર માટે કરવાની વાત કહી છે.