કેન્દ્ર સરકારે ફાસ્ટેગ વિનાના વાહનચાલકો માટે મોટી રાહત આપી છે. જો વાહનમાં ફાસ્ટેગ ન હોય કે તે કામ ન કરી રહ્યું હોય તો તમારે કેશ પેમેન્ટ કરવાની જરૂર નથી, તમે યુપીઆઇ પેમેન્ટ પણ કરી શકો છો. જે માટે તમારે 1.25 ઘણુ વધારે ટોલ ટેક્સ ભરવો પડશે.


ડબલ ટોલ ટેક્સ નહી ચૂકવવો પડે 


માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે આ અંગે નોટિફિકેશન જાહેર કર્યુ છે. આ નવી વ્યવસ્થા 15 નવેમ્બરથી દેશભરમાં ટોલપ્લાઝા પર લાગુ પડશે. જૂના નિયમ અનુસાર જો કોઇ કારમાં ફાસ્ટેગ નથી હોતું કે પછી તે વેલિડ ન હોય તો નોર્મલ ટેક્સ કરતા બમણો ટેક્સ રોકડમાં ચૂકવવો પડતો હતો. જે એક પેન્લટી ગણાતી હતી. હવે ફાસ્ટેગ વિના કે બંધ થઇ ગયેલા ફાસ્ટેગ વાળી કારને ટોલ પર માત્ર 1.25 ઘણો ટેક્સ જ ચૂકવવો પડશે અને તે પણ તમે યુપીઆઇથી ચૂકવી શકશો. એટલે કે યુપીઆઇથી પેમેન્ટ કરવાથી ડબલ ટેક્સ ચૂકવવો પડશે નહીં.

આ રીતે સમજો 

જેમકે જો ટોલ ફી ₹100 છે, જો તમારી પાસે ફાસ્ટેગ ન હોય, તો તમારે ₹200 નો દંડ ચૂકવવો પડતો હતો. પરંતુ હવે  જો તમે UPI નો ઉપયોગ કરીને ચુકવણી કરો છો, તો તમારે ફક્ત ₹125 ચૂકવવા પડશે.


ડિજિટલ ચુકવણીઓને પ્રોત્સાહન
ટોલ વસૂલાત વધારવા અને તેને વધુ ગ્રાહક ફ્રેન્ડલી બનાવવા માટે સરકારનો આ નિર્ણય મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આનાથી ડિજિટલ ચુકવણીને પ્રોત્સાહન મળશે. પરંતુ તે ટોલ પ્લાઝા પર થતા છેતરપિંડીભર્યા વ્યવહારોને પણ રોકશે. જેનાથી ટોલ વસૂલાતમાં વધારો થવાની સંભાવના છે. વધુમાં આ નવી સુવિધાથી ટોલ પ્લાઝા પર ટર્નઅરાઉન્ડ સમય ઘટાડવાની અપેક્ષા છે. હાલમાં દેશમાં FASTagનો ઉપયોગ લગભગ 98% સુધી પહોંચી ગયો છે.