ઉદ્યોગપતિ અનિલ અંબાણીની કંપનીઓ પર ઇડીએ દરોડા પાડ્યા છે. આ દરોડા અનિલ અંબાણીની ગ્રુપ કંપનીઓ સામે કથિત મની લોન્ડરિંગ સાથે જોડાયેલા મામલા માટે મુંબઇમાં રેડ પાડવામાં આવી છે. RAAGA કંપનીઓ (રિલાયન્સ અનિલ અંબાણી ગ્રુપ કંપનીઓ) દ્વારા મની લોન્ડરિંગના કથિત ગુનાના સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે અનિલ અંબાણી સાથે જોડાયેલી મિલકતો પર દરોડા પાડ્યા.
આ દરોડા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ પાડવામાં આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ કાર્યવાહીમાં લગભગ 50 કંપનીઓ અને અનિલ અંબાણી સાથે સંકળાયેલા 25 થી વધુ લોકોના પરિસરની તપાસ કરવામાં આવી રહી છે. આ કાર્યવાહીમાં EDને CBI, SEBI, નેશનલ હાઉસિંગ બેંક, નેશનલ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ ઓથોરિટી (NFRA) અને બેંક ઓફ બરોડા જેવી એજન્સીઓ પાસેથી મહત્વપૂર્ણ માહિતી મળી છે.
3000 કરોડની હેરફેરની આશંકા
ન્યૂઝ એજન્સી એએનઆઇના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં યશ બેંક પાસેથી લોન લીધી. જેમાં લોનના નિયમોની સંપૂર્ણ અવગણના કરીને મંજૂર કરવામાં આવી. પ્રારંભિક તપાસમાં બહાર આવ્યું છે કે લોન મંજૂર થાય તે પહેલાં જ ખાનગી કંપનીઓ દ્વારા Yes Bank ના પ્રમોટરોને મોટી રકમ આપવામાં આવી હતી.
લોન સંબંધિત દસ્તાવેજો, જેમ કે ક્રેડિટ એપ્રુવલ મેમોરેન્ડમ (CAM) બેકડેટમાં તૈયાર કરવામાં આવ્યા હતા. કોઈપણ ડ્યુ ડિલિજન્સ અથવા ક્રેડિટ વિશ્લેષણ વિના લોન મંજૂર કરવામાં આવી હતી, જે બેંકની ક્રેડિટ નીતિનું સીધું ઉલ્લંઘન હતું.
આ ઉપરાંત ED એ પણ શોધી કાઢ્યું કે લોન તાત્કાલિક અન્ય જૂથો અને શેલ કંપનીઓને ટ્રાન્સફર કરવામાં આવી હતી. એવી કંપનીઓને લોન આપવામાં આવી હતી જેમની નાણાકીય સ્થિતિ નબળી હતી, જેમનું સરનામું સમાન હતું અથવા જેમના ડિરેક્ટર સમાન હતા. કેટલાક કિસ્સાઓમાં અરજી અને મંજૂરીની તારીખ સમાન હોવાનું જાણવા મળ્યું હતું અથવા લોન મંજૂર થાય તે પહેલાં જ રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી.
ઇડીએ કેમ શરૂ કરી તપાસ ?
આ મામલે સીબીઆઇ દ્વારા બે અલગ અલગ એફઆઇઆર કરવામાં આવી હતી. આ કેસ RAAGA કંપનીઓ સાથે જોડાયેલો છે. જે રિલાયન્સ અનિલ અંબણી ગ્રુપના એકમો છે. આ એફઆઇઆરના આધારે ઇડીએ તપાસ શરૂ કરી. જેમાં જાણવા મળ્યું કે સુનિયોજિત સ્કિમ હેઠળ, બેંક, રોકાણકારો અને સરકારી સંસ્થાઓને દગો આપ્યો. એજન્સીએ એ પણ જાણ્યુ કે યસ બેંકથી મળેલી રકમને કંપનીના પ્રમોટર્સ અને અન્ય સમૂહ કંપનીઓમાં ગેરકાયદેસર રીતે ડાયવર્ટ કરાયા.









