નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન સરકારે નકલી નોટોને લઈને એક મહત્વની જાણકારી આપી છે. નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં એક લેખિત ઉત્તરના માધ્યમથી જાણકારી આપી કે આ નકલી નોટોમાં સૌથી વધારે 500 રૂપિયાની નવી ડિઝાઈનવાળી નોટો મળી છે. જેની સંખ્યા 1,17,722 રહી છે.

100 રૂપિયાની 51,069 નોટ અને 200 રૂપિયાની 32,660 નકલી નોટ પકડાઈ

સંસદમાં સોમવારે જાણકારી આપતા કહ્યું કે આ નાણાકીય વર્ષમાં કુલ 2.17 લાખ નકલી નોટ પકડાઈ છે. આ આંકડો ગયા વર્ષ કરતા થોડો ઓછો છે. ગયા વર્ષે 2.23 લાખ નકલી નોટો ઝડપાઈ હતી. નકલી નોટોમાં 100 રૂપિયાની 51,069 નોટ અને 200 રૂપિયાની 32,660 નોટ પકડાઈ છે. નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ કહ્યું કે RBI અને સરકાર સાથે મળીને નકલી નોટોનો સામનો કરવા માટે સતત પ્રયાસો કરી રહ્યા છે. RBI સમય-સમય પર બેન્ક નોટની સુરક્ષા વિશેષતાઓની સમીક્ષા કરે છે અને જરૂર પડવા પર તેમાં ફેરફાર પણ કરે છે. તેમને કહ્યું કે બેન્ક નોટમાં નવી સુરક્ષા ટેક્નિક અને ડિઝાઈન લાવવી એક સતત પ્રક્રિયા છે, જેથી છેતરપિંડી કરનારાઓથી આગળ રહી શકાય.

દેશમાં રોકાણની સ્થિતિ સારી થઈ રહી છે

અન્ય એક પ્રશ્નના જવાબમાં મંત્રીએ કહ્યું કે ખાનગી લિમિટેડ કંપનીઓના NPAમાં સતત વધારો થઈ રહ્યો છે. RBI મુજબ આ કંપનીઓની સંપતિઓમાં 2021-22માં 7.6 ટકા, 2022-23માં 10.3 ટકા અને 2023-24માં 10.2 ટકાનો વધારો નોંધાયો છે. સરકારે એ પણ જાણકારી આપી કે દેશમાં રોકાણની સ્થિતિ સારી થઈ રહી છે. RBIના ઓગસ્ટ 2024ના બુલેટિન મુજબ 2021-22માં 401 રોકાણની યોજનાઓ મંજૂર થઈ હતી, ત્યારે 2023-24માં તેની સંખ્યા વધીને 944 થઈ ગઈ છે. એટલે કે માત્ર 2 વર્ષમાં આ સંખ્યા બે ઘણી થઈ ગઈ છે.