અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ રવિવારના રોજ ઝારખંડ અને બિહાર રાજ્યોની મુલાકાત લઈને ગ્રુપના વિવિધ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સની સ્થિતિની સમીક્ષા કરી હતી. પૂર્વ ભારતમાં અદાણી ગ્રુપ પોતાની હાજરી મજબૂત કરી રહ્યું છે, જેના ભાગરૂપે રૂપિયા 40,000 કરોડથી વધુના પાવર ઇન્વેસ્ટમેન્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.


ઝારખંડ: ગોડ્ડા થર્મલ પાવર પ્લાન્ટ

ગૌતમ અદાણીએ ઝારખંડના આદિવાસી બહુલ ગોડ્ડા જિલ્લામાં સ્થિત 1,600 મેગાવોટ ક્ષમતાના અલ્ટ્રા-સુપરક્રિટિકલ થર્મલ પાવર પ્લાન્ટના સંચાલનની વિગતો મેળવી હતી. આ પ્લાન્ટ રૂપિયા 16,000 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટની ખાસિયત એ છે કે, તે લાંબા ગાળાના કરાર હેઠળ ખાસ કરીને બાંગ્લાદેશને વીજળી પૂરી પાડે છે. આ સુવિધાથી સ્થાનિક સ્તરે હજારો લોકોને રોજગારી મળી રહી છે અને રેલવે કનેક્ટિવિટી પણ મજબૂત બની છે.

બિહાર: પીરપૈંતી પાવર પ્રોજેક્ટ

ઝારખંડ બાદ અદાણીએ બિહારના ભાગલપુર પાસે આવેલા પીરપૈંતીમાં સૂચિત 2,400 મેગાવોટના અલ્ટ્રા-સુપરક્રિટિકલ પાવર પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરી હતી. આ પ્રોજેક્ટમાં રૂપિયા 27,000 કરોડનું જંગી રોકાણ કરવામાં આવશે. તે આગામી 4 થી 5 વર્ષમાં કાર્યરત થવાની અપેક્ષા છે. આ પ્લાન્ટ બિહારની વધતી જતી ઔદ્યોગિક અને શહેરી વીજળીની માગને પહોંચી વળવા માટે નિર્ણાયક સાબિત થશે.

મહત્વની સિદ્ધિ

દેશની સૌથી મોટી ખાનગી થર્મલ પાવર ઉત્પાદક કંપની, અદાણી પાવર (APL) ને ગયા વર્ષે ઓગસ્ટમાં બિહાર સ્ટેટ પાવર જનરેશન કંપની લિમિટેડ તરફથી 25 વર્ષ સુધી વીજળી સપ્લાય કરવા માટેનો એલોટમેન્ટ લેટર (LoA) પ્રાપ્ત થયો હતો. આ પ્રોજેક્ટ્સ દ્વારા પૂર્વ ભારતના આર્થિક વિકાસને નવી ગતિ મળશે, તેવો દાવો કરવામાં આવ્યો છે.


આ પણ વાંચો - What is Data Center: ગૌતમ અદાણી કેમ કરી રહ્યા છે ડેટા સેન્ટરમાં અબજો રૂપિયાનું રોકાણ?, જાણો


  • Follow us on: