ઓગસ્ટ 2024ની સરખામણીમાં ઓગસ્ટ 2025માં કેન્દ્ર સરકારને GSTના કલેક્શનમાં મોટો વધારો થયો છે. ગયા વર્ષે કેન્દ્ર સરકારને ઓગસ્ટ મહિનામાં 1.75 લાખ કરોડ રૂપિયાની કમાણી થઈ હતી પણ ઓગસ્ટ 2025માં આ આંકડો 1.86 લાખ કરોડ રૂપિયા પહોંચી ગયો છે. જે લગભગ 6.5 ટકા વધારે છે. જો કે ગયા મહિનાની તુલનામાં એટલે કે જુલાઈ 2025ની તુલનામાં GST કલેક્શનમાં ઘટાડો થયો છે. જુલાઈ 2025માં કલેક્શન 1.96 લાખ કરોડ હતું.
ગયા વર્ષની તુલનામાં આ આંકડો વધારે
ઉલ્લેખનીય છે કે જુલાઈ 2025ની સરખામણીમાં ઓગસ્ટ 2025ના GST કલેક્શનમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. જુલાઈ મહિનામાં તહેવાર અને અન્ય આર્થિક ગતિવિધિઓના કારણે GST કલેક્શન વધારે રહ્યું હતું. જ્યારે ઓગસ્ટ મહિનામાં આ કલેક્શનમાં થોડો ઘટાડો નોંધાયો છે, જો કે ગયા વર્ષની તુલનામાં આ આંકડો વધારે છે.
એપ્રિલ મહિનામાં GST કલેક્શન રેકોર્ડ પર હતું
આ વર્ષે એપ્રિલમાં, GST કલેક્શન તેના સમગ્ર ઇતિહાસમાં સૌથી વધુ સ્તરે પહોંચ્યું હતું, જ્યારે સરકારે 2.37 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. GST ઉપરાંત, ઓગસ્ટમાં કુલ સ્થાનિક આવકમાં પણ વધારો થયો છે. ઓગસ્ટ 2025માં કુલ સ્થાનિક આવક 1.36 લાખ કરોડ રૂપિયા હતી, જે ગયા વર્ષ કરતા 6.6 ટકા વધુ છે. જોકે, આયાત કરમાં થોડો ઘટાડો થયો છે, જે વાર્ષિક ધોરણે 1.2 ટકા ઘટીને 49,354 કરોડ રૂપિયા થયો છે.
જીએસટી સુધારાથી મોટો ફેરફાર?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ પર એક મોટી જાહેરાત કરી હતી કે દિવાળી સુધીમાં GSTમાં આગામી પેઢીના સુધારાઓ જનતા સમક્ષ લાવવામાં આવશે. તેમણે કહ્યું કે આ સુધારાઓ સામાન્ય માણસને વધુ સારી કર રાહત આપશે અને નાના વ્યવસાયો, ખાસ કરીને મધ્યમ વર્ગના ઉદ્યોગ સાહસિકોને લાભ આપશે. વડાપ્રધાને કહ્યું કે GST અમલીકરણના 8 વર્ષ પૂર્ણ કરી ચૂક્યું છે અને હવે સમય આવી ગયો છે કે તેમાં વધુ સુધારો કરવામાં આવે જેથી કર વ્યવસ્થા વધુ સરળ અને વધુ અસરકારક બની શકે.