જી.એસ.ટી. કાઉન્સિલે પોતાની 56મી બેઠકમાં સોનાં અને ચાંદી પર લાગુ કરદરના મામલે હાલના જ દરોને યથાવત્ રાખવાનો નિર્ણય કર્યો છે. સોનાં અને ચાંદી પર 3% જી.એસ.ટી. અને દાગીનાં બનાવવા માટે લેવામાં આવતાં ચાર્જ પર 5% જી.એસ.ટી. લાગૂ રહેશે. ઉદાહરણ તરીકે જો આપણે સમજીએ તો ₹1 લાખનું સોનું કે ચાંદી તમે ખરીદી કરી રહ્યા છો, તો તમારે આશરે ₹3,000 જેટલો જી.એસ.ટી. ચૂકવવો પડશે.


જી.એસ.ટી. 2.0 સુધારાઓનો ભાગ

કાઉન્સિલે જી.એસ.ટી. વ્યવસ્થામાં મોટા ફેરફારને પણ મંજૂરી આપી છે. અગાઉના ચાર સ્લેબ્સની જગ્યાએ હવે ફક્ત બે સ્લેબ્સ એટલે કે 5% અને 18% જ લાગુ રહેશે. 12% અને 28% દરો હવે દૂર કરવામાં આવ્યા છે. આ જી.એસ.ટી. 2.0 સુધારાઓનો ભાગ છે, જેનો ઉદ્દેશ્ય કર વ્યવસ્થાને સરળ બનાવવાનો અને વપરાશ વધારવાનો છે.

ડ્રાયફ્રુટથી લઇને ડેરી પ્રોડક્ટ પર 5 ટકા 

તો બીજી તરફ હવે પરાઠા પર પણ કર શૂન્ય રહેશે, જ્યારે હમણાં સુધી તેના પર 18% ટેક્સ લાગતો હતો. સામાન્ય ઉપયોગના ખોરાક અને પીણાં જેવી વસ્તુઓ જેમ કે માખણ અને ઘી, સુકા મેવાં, કન્ડેન્સ્ડ મિલ્ક, પનીર, અંજીર, ખજૂર, ઍવોકાડો, ખટાશ ધરાવતા ફળો, ખાંડથી બનેલી કન્ફેક્શનરી, જામ અને ફળોની જેલી, નાળિયેરનું પાણી, નમકીન, 20 લીટરની બોટલમાં પેક થયેલું પીવાનું પાણી, ફળોના પલ્પ અથવા રસ, દૂધ, આઇસ્ક્રીમ, પેસ્ટ્રી અને બિસ્કિટ, કોર્ન ફ્લેક્સ અને અનાજયુક્ત પીણાં તથા ખાંડથી બનેલી મીઠાઈઓ પર લાગતાં કર દરો હવે 12% કે 18%ના બદલે ફક્ત 5% રહેશે.

અનેક પ્રોડક્ટના જીએસટી ઘટાડ્યા

ટૂથ પાઉડર, દૂધની બોટલ, રસોડાના વાસણો, છત્રી, વાંસના ફર્નિચર, કાંસાં જેવી વપરાશની વસ્તુઓ પર પણ ટેક્સ દર 12%માંથી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે. આ સિવાય શેમ્પૂ, ટેલ્કમ પાઉડર, ટૂથપેસ્ટ, ટૂથબ્રશ, ફેસ પાઉડર, સાબૂ અને હેર ઓઇલ જેવી વસ્તુઓ પર પણ ટેક્સ દર 18% માંથી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે.


  • Follow us on: