દેશની દિગ્ગજ કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ કેન્દ્ર સરકારના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના રિફોર્મ કરવાના નિર્ણયનું સ્વાગત કર્યું છે. તેમણે ટેક્સ સ્લેબના સરળીકરણને ગ્રાહકો અને અર્થતંત્ર માટે એક ક્રાંતિકારી પગલું ગણાવ્યું છે અને મુકેશ અંબાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા અને સાથે જ આ રિફોર્મને 'ભારતના લોકો માટે ઐતિહાસિક દિવાળી ભેટ' ગણાવી છે.
તેમણે કહ્યું, "GST સુધારાઓ ઉત્પાદનો અને સેવાઓ સસ્તા બનાવશે, બિઝનેસ કરવાનું સરળ બનાવશે, ફુગાવો ઘટાડશે અને છૂટક ક્ષેત્રમાં માગ વધારશે. આ ભારતના આર્થિક વિકાસ માટે એક મોટું પ્રોત્સાહન છે. આ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં GDP વૃદ્ધિ દર 7.8% રહ્યો છે અને આ સુધારા તેને વધુ વેગ આપી શકે છે, જેનાથી વૃદ્ધિ દર બે આંકડાની નજીક આવી શકે છે."
રિલાયન્સ રિટેલની પ્રતિબદ્ધતા
ભારતની સૌથી મોટી રિટેલ કંપની રિલાયન્સ રિટેલે આ સુધારાઓનો સંપૂર્ણ લાભ ગ્રાહકોને પહોંચાડવાનું વચન આપ્યું છે. કંપનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઈશા અંબાણીએ કહ્યું, "નવું GST માળખું ઘરગથ્થુ બજેટમાં રાહત આપશે અને ઉદ્યોગ માટે પાલનને સરળ બનાવશે. તે ગ્રાહકો અને ઉદ્યોગપતિઓ બંને માટે ફાયદાકારક છે. રિલાયન્સ રિટેલ પહેલા દિવસથી જ તમામ ઉત્પાદનો પર કિંમતો ઘટાડવા માટે પ્રતિબદ્ધ છે."
આ ફેરફારો ગ્રાહકોનો વિશ્વાસ વધારશે : ઈશા અંબાણી
ઈશા અંબાણીએ વધુમાં કહ્યું, "GST સુધારાઓ સરકારનો વ્યવસાયને સરળ બનાવવા અને ગ્રાહક કલ્યાણને પ્રોત્સાહન આપવાનો ઈરાદો દર્શાવે છે. અમારું વચન સ્પષ્ટ છે, જ્યારે પણ ખર્ચ ઘટશે, ત્યારે તેનો લાભ ગ્રાહકોના ખિસ્સા સુધી પહોંચશે." નવા સુધારાઓ હેઠળ, GSTને બે મુખ્ય સ્લેબમાં સરળ બનાવવામાં આવ્યો છે - 5% અને 18%. આનાથી માલ અને સેવાઓ સસ્તી થશે અને સ્થાનિક વપરાશમાં વધારો થશે. ઉદ્યોગ નિષ્ણાતો માને છે કે આનાથી છૂટક ક્ષેત્રની સમગ્ર સપ્લાય ચેઈન - ખેડૂતો, નાના સપ્લાયર્સ, કરિયાણાની દુકાનો અને અંતિમ ગ્રાહકોને ફાયદો થશે. રિલાયન્સ રિટેલે જણાવ્યું હતું કે તે ભારતના વધતા વપરાશ અર્થતંત્રમાં અગ્રણી ભૂમિકા ભજવવા માટે પ્રતિબદ્ધ છે. આ ફેરફારો ગ્રાહકોનો વિશ્વાસ વધારશે અને દેશભરના લાખો ઘરોને પોષણક્ષમ ભાવે ગુણવત્તાયુક્ત ઉત્પાદનો અને સેવાઓ પ્રદાન કરશે.