ભારતે ઈરાનના ચાબહાર બંદર અંગેના અમેરિકાના નિર્ણય અંગે કહ્યુ છે કે, સમગ્ર મામલાની તપાસ કરાઇ રહી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતુ કે, ભારત ચાબહાર અંગેના અમેરિકાના નિર્ણયનો અભ્યાસ કરી રહ્યું છે.
નિર્ણયનું કરાઇ રહ્યુ છે મૂલ્યાંકનઃ ભારત
અમેરિકાના નિર્ણય સામે ભારતે જણાવ્યુ છે કે, અમે મૂલ્યાંકન કરી રહ્યા છીએ કે તે ભારત પર કેવી અસર કરશે?. યુએસ સરકારે ઈરાનના ચાબહાર બંદર સંબંધિત પ્રવૃત્તિઓ માટે ખાસ છૂટ પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. જે ભારત પર અસર કરે તેવી શક્યતા છે. આ છૂટ 2018માં આપવામાં આવી હતી. જેથી ખાતરી કરી શકાય કે, અફઘાનિસ્તાનના પુનઃર્નિર્માણ અને વેપાર પ્રોજેક્ટ્સ ઈરાન પર લાદવામાં આવેલા પ્રતિબંધોથી પ્રભાવિત ન થાય.
ચાબહાર બંદર વેપાર માટે મહત્ત્વપૂર્ણ સ્થાન
નવા આદેશ મુજબ 29 સપ્ટેમ્બર 2025થી ચાબહાર બંદર અથવા ઈરાનના અન્ય ભાગોમાં પ્રવૃત્તિઓમાં સામેલ લોકો જે ઈરાન ફ્રીડમ એન્ડ કાઉન્ટર પ્રોલિફરેશન એક્ટના દાયરામાં આવે છે. તેમના પર યુએસ પ્રતિબંધો લાગી શકે છે. અમેરિકાનું કહેવું છે કે, આ પગલું ઈરાની શાસનને તેના વિવાદાસ્પદ કાર્યક્રમો અને પ્રાદેશિક પ્રવૃત્તિઓ માટે જવાબદાર ઠેરવવા માટે તેની મહત્તમ દબાણ નીતિના ભાગ રૂપે લેવામાં આવ્યું છે. આ નિર્ણય ભારત માટે પડકારજનક માનવામાં આવે છે. કારણ કે ચાબહાર બંદર ભારત, ઈરાન અને અફઘાનિસ્તાન વચ્ચે વેપાર અને જોડાણ માટે એક મહત્વપૂર્ણ કેન્દ્ર છે.
અમેરિકાએ કેમ કર્યો આ નિર્ણય ?
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પના તંત્રે જાહેરાત કરી હતી કે, આ મહિનાના અંતથી ઈરાનના ચાબહાર બંદરનું સંચાલન કરનારાઓ પર પ્રતિબંધો લાદવામાં આવશે. આ નિર્ણય ભારતને પણ અસર કરશે. જે આ વ્યૂહાત્મક બંદર પર ટર્મિનલ વિકસાવી રહ્યું છે. ચાબહાર બંદર ઈરાનના દક્ષિણ કિનારે સિસ્તાન-બલુચિસ્તાન પ્રાંતમાં સ્થિત છે. ભારત અને ઈરાન વેપાર અને જોડાણ વધારવા માટે તેનો વિકાસ કરી રહ્યા છે.
