કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યુ હતુ કે, ભારતે વૈશ્વિક બજારમાં તેલ ખરીદવાના તેના સ્ત્રોતોને વૈવિધ્યસભર બનાવ્યા છે. તેથી સરકાર રશિયાના તેલ નિકાસ પર અમેરિકા દ્વારા કોઈપણ કાર્યવાહીથી ચિંતિત નથી. કેન્દ્રીય મંત્રી પુરીએ કહ્યું કે ભારત હાલમાં 40 દેશોમાંથી તેલ ખરીદે છે. જ્યારે 2007માં આ સંખ્યા 27 હતી અને વૈશ્વિક બજારમાં તેનો પૂરતો પુરવઠો છે. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું, "બજારમાં ઘણું તેલ ઉપલબ્ધ છે. ઈરાન અને વેનેઝુએલા હાલમાં પ્રતિબંધો હેઠળ છે.

ભારત પાસે અન્ય સ્ત્રોત

અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે રશિયન તેલ આયાત પર ભારત અને ચીનને ધમકી આપી છે. કેન્દ્રીય મંત્રીનું આ નિવેદન યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન તેલ ખરીદતા દેશો પર પ્રતિબંધોની જાહેર કર્યા છે. ટ્રમ્પે ધમકી આપી હતી કે જો 50 દિવસની અંદર યુક્રેન સાથે શાંતિ કરાર નહીં થાય તો તેઓ રશિયા પર ગંભીર વેપાર પ્રતિબંધો લાદશે. ટ્રમ્પે કહ્યું કે રશિયન નિકાસ પર યુએસ ટેરિફ 100 ટકા સુધી વધારી દેવામાં આવશે. તેમણે રશિયા પાસેથી તેલ ખરીદતા ભારત અને ચીન જેવા દેશો પર પ્રતિબંધો લાદવાની પણ ધમકી આપી હતી. તેલના ભાવ સ્થિર કરવામાં ભારતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

વૈશ્વિક બજારમાં ભાવ સ્થિર

ટ્રમ્પની ધમકીઓ પર, કેન્દ્રીય મંત્રી પુરીએ કહ્યું, "મેં આ ધમકીઓ સાંભળી છે. બે વિવાદાસ્પદ પક્ષો વચ્ચેના મુદ્દાને ઉકેલવા માટે કેટલાક નિવેદનો આપવામાં આવે છે. મોસ્કોથી ભારતની તેલ ખરીદીએ વૈશ્વિક બજારમાં ભાવ સ્થિર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. 2022 માં જ્યારે યુક્રેન યુદ્ધ શરૂ થયું છે. ત્યારે ભારત-રશિયા તેલ વેપારની ગેરહાજરીમાં ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ $130 સુધી પહોંચી શક્યા હોત. રશિયા-યુક્રેન યુદ્ધ પહેલા, ભારત મોસ્કોથી તેની ક્રૂડ ઓઇલ આયાતનો માત્ર 0.2 ટકા જ ખરીદતો હતો. આજે તે લગભગ 40 ટકા છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું, "રશિયન ક્રૂડ ઓઇલની કિંમત હંમેશા પ્રતિ બેરલ $60 ની રેન્જમાં રહી છે. પરંતુ તેના પર ક્યારેય પ્રતિબંધો નહોતા." ભારત પ્રતિબંધો હેઠળ કોઈપણ દેશ પાસેથી ક્રૂડ ઓઈલ નહીં ખરીદવાના પોતાના વલણ પર અડગ છે."