જાપાનની કંપનીઓએ છેલ્લા 10 મહિનામાં ભારતમાં ₹1 લાખ કરોડથી વધુનું રોકાણ કર્યું છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ટોક્યોમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન આ માહિતી આપી હતી. તેમના જણાવ્યા અનુસાર, આ રોકાણ 2025માં જાપાને આગામી 10 વર્ષમાં ભારતમાં 10 ટ્રિલિયન યેન એટલે કે આશરે ₹7 લાખ કરોડના રોકાણના કરેલા વચનના લગભગ 15 ટકા જેટલું છે.
જાપાનનું ₹7 લાખ કરોડનું લક્ષ્ય 10 વર્ષના સમયગાળા કરતાં ઘણું વહેલું
પીયૂષ ગોયલે વિશ્વાસ વ્યક્ત કર્યો કે જો રોકાણની વર્તમાન ગતિ જળવાઈ રહેશે તો જાપાનનું ₹7 લાખ કરોડનું લક્ષ્ય 10 વર્ષના સમયગાળા કરતાં ઘણું વહેલું, માત્ર 3થી 4 વર્ષમાં પૂર્ણ થઈ શકે છે. તેમણે જણાવ્યું કે અગાઉ જાપાને ભારતમાં 10 વર્ષમાં 5 ટ્રિલિયન યેનના રોકાણનું લક્ષ્ય નક્કી કર્યું હતું, જે માત્ર પાંચ વર્ષમાં જ પૂર્ણ થયું હતું. આ ઝડપી પ્રગતિને ધ્યાનમાં રાખીને 2025માં રોકાણનું લક્ષ્ય બમણું કરવામાં આવ્યું હતું.
ગોયલે જાપાની કંપનીઓને પરંપરાગત ક્ષેત્રોથી આગળ વધીને મેન્યુફેક્ચરિંગ, ફાઈનાન્શિયલ સર્વિસિસ, ઈન્શ્યોરન્સ અને પેન્શન ફંડ જેવા ક્ષેત્રોમાં રોકાણ વધારવા અપીલ કરી હતી. તેમણે ભારતના મોટા બજાર અને એન્જિનિયરિંગ ટેલેન્ટને જાપાનની પ્રિસિઝન એન્જિનિયરિંગ તથા મેન્યુફેક્ચરિંગ ક્ષમતાઓ સાથે જોડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.
ટોક્યોમાં યોજાયેલી ઈન્ડિયા-જાપાન સ્ટાર્ટઅપ રાઉન્ડટેબલમાં તેમણે 'ડીપ ટેક કેપિટલ કોરિડોર', 'ટૂ-વે ઇનોવેશન બ્રિજ' અને 'જોઈન્ટ સ્ટાર્ટઅપ પિચિંગ પ્લેટફોર્મ' જેવા પ્રસ્તાવો રજૂ કર્યા. આ પહેલો દ્વારા ભારતીય સ્ટાર્ટઅપ્સને જાપાની કંપનીઓ, રોકાણકારો, યુનિવર્સિટીઓ અને સંશોધન સંસ્થાઓ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવશે.
30થી વધુ બિઝનેસ ટાઈ-અપ્સમાં મદદ મળી
ભારતની રાજદૂત નગમા મોહમ્મદ મલ્લિકે જણાવ્યું કે ઈન્ડિયા-જાપાન પિચિંગ સિરીઝ હેઠળ અત્યાર સુધી 65 ભારતીય સ્ટાર્ટઅપ્સને લગભગ 100 જાપાની કંપનીઓ સાથે જોડવામાં આવ્યા છે અને 30થી વધુ બિઝનેસ ટાઈ-અપ્સમાં મદદ મળી છે. તેમના જણાવ્યા મુજબ, સ્ટાર્ટઅપ ઈન્ડિયાની શરૂઆત બાદ દેશમાં સ્ટાર્ટઅપ્સની સંખ્યા 510થી વધીને 2.5 લાખ થઈ છે, જ્યારે 130થી વધુ સ્ટાર્ટઅપ્સ યુનિકોર્ન બની ચૂક્યા છે.