તહેવારોની સિઝન ચાલી રહી છે અને ફ્લાઇટની ટિકિટના ભાવમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. સોમવાર, 2 નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટમાં હવાઈ ભાડામાં 700% સુધીના વધારાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. આ દરમિયાન જસ્ટિસ વિક્રમ નાથે કરેલી એક ટિપ્પણીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
'...તો ન કરતા હવાઇ મુસાફરી!'
હવાઈ મુસાફરીમાં ટિકિટના વધતા ભાવનો મામલો અગાઉથી જ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. કોર્ટે આ કેસની આગામી સુનાવણી 16 નવેમ્બરના રોજ નક્કી કરી છે. સાથે જ સરકારને ત્યાં સુધીમાં નવા નિયમો કોર્ટ સમક્ષ રજૂ કરવા જણાવ્યું છે. સરકારે આજે હવાઈ મુસાફરીના ભાડા સંબંધિત નવા નિયમો જાહેર પણ કરી દીધા છે. તેમ છતાં સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દો ફરી ઉઠાવવામાં આવ્યો હતો.
અરજદાર તરફથી હાજર રહેલા વકીલે ટિકિટના ભાવમાં થયેલા ભારે વધારાને બંધારણની કલમ 14નું ઉલ્લંઘન ગણાવ્યું હતું. તેમણે દલીલ કરી હતી કે હવાઈ મુસાફરી એક જરૂરી સેવા છે. આના જવાબમાં જસ્ટિસ વિક્રમ નાથે કહ્યું હતું કે, "તો હવાઈ મુસાફરી ન કરો." વકીલે પોતાની દલીલ આગળ વધારતાં જજએ ફરી કહ્યું હતું કે, "ઠીક છે, હવાઈ મુસાફરી ન કરો." ત્યારબાદ તેમણે પોતાના સ્ટાફને આગામી કેસ રજૂ કરવા જણાવ્યું હતું.
નોંધનીય છે કે આ કેસની આગામી સુનાવણી 16 નવેમ્બરે થવાની છે. સુપ્રીમ કોર્ટ હવાઈ ટિકિટના વધતા ભાવને લઈને સરકાર પાસે જવાબ માગી રહી છે.
ન્યાયાધીશના આ વલણ પાછળના કારણો શું હોઇ શકે?
• હવાઈ મુસાફરી કોઈ મૂળભૂત અધિકાર નથી: અરજદારે દલીલ કરી હતી કે ભાડામાં 700% નો વધારો એ 'સમાનતાના અધિકાર' (Article 14) નું ઉલ્લંઘન છે. પરંતુ કોર્ટના મતે, ફ્લાઈટમાં મુસાફરી કરવી એ લક્ઝરી (વૈભવી) અથવા વૈકલ્પિક સુવિધા છે, જીવન જીવવા માટેની અનિવાર્ય પ્રાથમિક જરૂરિયાત નથી.
• બજાર આધારિત ડાયનેમિક પ્રાઇસિંગ: ભારતમાં એરલાઇન્સના ભાડા 'ડાયનેમિક પ્રાઇસિંગ' (માંગ અને પુરવઠા) ના આધારે નક્કી થાય છે. તહેવારોમાં માંગ વધતા ભાવ વધે તે એક સામાન્ય આર્થિક પ્રક્રિયા છે, જેમાં સીધો કાનૂની ગુનો બનતો નથી. મુસાફરો પાસે રેલવે અથવા બસ જેવા અન્ય સસ્તા વિકલ્પો ઉપલબ્ધ હોય છે.
• નીતિવિષયક નિર્ણયોમાં કોર્ટની મર્યાદા: ટિકિટના ભાવ કેટલા રાખવા તે સરકારની નીતિ (Government Policy) અને ઉડ્ડયન મંત્રાલયનો વિષય છે. કોર્ટ સીધી રીતે બિઝનેસ મોડલ કે ભાડાની મર્યાદા નક્કી ન કરી શકે.
સરકારે હવાઈ મુસાફરીમાં ભાડા માટે નવા નિયમો બનાવ્યા
કાચા તેલ અને વિમાનમાં વપરાતા ઇંધણના ભાવમાં વધારાને કારણે હવાઈ ટિકિટ મોંઘી થઈ રહી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે 'ભારતીય વિમાન નિયમો, 2026' જાહેર કર્યા છે.
નવા નિયમો મુજબ, જો કોઈ મોટી કટોકટી ઊભી થાય અને જાહેર હિતમાં જરૂરી જણાય તો સરકાર એરલાઇન્સને ટિકિટના ભાવ ઘટાડવા અથવા વધારવા આદેશ આપી શકશે. જોકે, આ આદેશ માત્ર ચોક્કસ સમયગાળા માટે જ લાગુ રહેશે.
નવા નિયમોમાં શું જોગવાઈ કરવામાં આવી છે?
- નિયમ 192: નિયમિત ફ્લાઇટનું સંચાલન કરતી એરલાઇન્સે ભાડું નક્કી કરતી વખતે સંચાલન ખર્ચ સહિતના વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખવા પડશે. સાથે જ ભાડાની સંપૂર્ણ માહિતી DGCAને આપવી પડશે.
- સરકારનો હસ્તક્ષેપ: જો સરકારને લાગે કે પરિસ્થિતિ અસામાન્ય છે અને જાહેર હિતમાં હસ્તક્ષેપ જરૂરી છે, તો તે લેખિત આદેશ આપી શકશે.
- વેબસાઇટ પર ભાડાની માહિતી: એરલાઇન્સે પોતાની વેબસાઇટ પર ટિકિટના ભાવ સ્પષ્ટ રીતે દર્શાવવા પડશે. DGCA આ બાબત પર નજર રાખશે.
- ટિકિટની કિંમતમાં પારદર્શિતા: ટિકિટ બુક કરતી વખતે મુસાફરને ચૂકવવાની કુલ રકમ સ્પષ્ટ દેખાય તે જરૂરી રહેશે. આ ઉપરાંત બેઝ ભાડું, ટેક્સ, અન્ય ફી અને ટિકિટ રદ કરવાના ચાર્જની અલગ-અલગ માહિતી આપવી પડશે.
નોંધનીય છે કે ભારતમાં 1994માં એરલાઇન્સને ટિકિટના ભાવ જાતે નક્કી કરવાની છૂટ આપવામાં આવી હતી. ત્યારથી કંપનીઓ મુસાફરોની માંગ અને સંચાલન ખર્ચના આધારે ભાડું નક્કી કરતી આવી છે.
આ પહેલાં 1937ના નિયમો હેઠળ DGCA પાસે એવી સત્તા હતી કે કોઈ એરલાઇન ખૂબ વધારે કે ખૂબ ઓછું ભાડું વસૂલતી હોય તો તે હસ્તક્ષેપ કરી શકે. નવા નિયમોમાં આ જોગવાઈનો સીધો ઉલ્લેખ નથી, પરંતુ કટોકટીની સ્થિતિમાં સરકારને હવાઈ ભાડા અંગે આદેશ આપવાની સત્તા આપવામાં આવી છે.