ઈન્દોરના આ સ્ટાર્ટઅપની રજાની નીતિ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. કર્મચારીઓના કામ અને અંગત જીવન વચ્ચે સંતુલન જાળવવા માટે કંપનીના આ પગલાની લોકો ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. એટલું જ નહીં, કંપનીમાં નોકરી મેળવવા માટે લોકોની લાઇન લાગી ગઈ છે.

આજના સમયમાં એક તરફ કર્મચારીઓ તેમની કંપનીઓની કાર્યપ્રણાલીને લઇને પરેશાન છે, તો બીજી તરફ કેટલીક કંપનીઓ એવી પણ છે, જે પોતાના કર્મચારીઓના કામ અને અંગત જીવન વચ્ચે સંતુલન જળવાય તેનું ખાસ ધ્યાન રાખે છે. ઈન્દોર સ્થિત એક ડિજીટલ માર્કેટિંગ એજન્સીના સ્ટાર્ટઅપે દિવાળીના તહેવાર પર પોતાના કર્મચારીઓને પૂરા 7 દિવસની રજા આપી છે, જેથી તેઓ પરિવાર અને મિત્રો સાથે પૂરતો સમય વિતાવી શકે.

કંપનીના સહ-સ્થાપક યશ કુલશ્રેષ્ઠે (Yash Kulshrestha) દિવાળીના અવસર પર કંપનીના રજાના આયોજન અંગે LinkedIn પર એક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટ એટલી ઝડપથી વાયરલ થઈ કે માત્ર 24 કલાકમાં કંપનીને નોકરી માટે 250થી વધુ અરજીઓ મળી હતી. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે અરજી કરનારાઓમાં માત્ર ઇન્ટર્ન જ નહીં, પરંતુ ઓપરેશન્સ હેડ અને CXO સ્તરના અનુભવી વ્યાવસાયિકોનો પણ સમાવેશ થાય છે.

આવું હતું કંપનીનું દિવાળી રજાનું આયોજન

4 નવેમ્બર: ઓફિસમાં તમામ કર્મચારીઓને મીઠાઈ અને દિવાળીની ભેટ આપવામાં આવી હતી.

5 અને 6 નવેમ્બર: આ બે દિવસ કર્મચારીઓને ઘરેથી કામ કરવાની છૂટ આપવામાં આવી હતી. તેનો સૌથી મોટો ફાયદો એ થયો કે ઈન્દોરની બહાર રહેતા કર્મચારીઓ ટ્રાફિક અને ભીડથી બચીને સમયસર પોતાના ઘરે પહોંચી શક્યા અને ત્યાંથી જ કામ કરી શક્યા.

7 નવેમ્બરથી: ત્યારબાદ દિવાળીની રજાઓ શરૂ થઈ હતી. કર્મચારીઓને અડધા દિવસની રજા પણ આપવામાં આવી હતી, જેથી તેઓ પરિવાર સાથે આરામથી સમય વિતાવી શકે અને તહેવારની ઉજવણી કરી શકે.

11 નવેમ્બર: આખા અઠવાડિયાની રજાઓ બાદ તમામ કર્મચારીઓ ફરી ઓફિસમાં હાજર થશે.

હવે કંપની કામનું સંચાલન કેવી રીતે કરશે?

કંપનીની રજાની નીતિની સૌથી ખાસ વાત એ હતી કે મેનેજમેન્ટે તેને કોઈ કડક નિયમ તરીકે લાગુ કરી નહોતી. કર્મચારીઓને એવી પણ છૂટ આપવામાં આવી હતી કે જો કોઈને પરિવાર સાથે વધુ સમય વિતાવવા માટે રજાઓ લંબાવવાની જરૂર હોય, તો તેઓ તેમ કરી શકે છે.

યશ કુલશ્રેષ્ઠના જણાવ્યા અનુસાર, તેમની ટીમના લગભગ તમામ સભ્યો ઈન્દોરની બહારના છે. સામાન્ય રીતે તહેવારોમાં ઘરે જવા માટે લોકોનો ઘણો સમય મુસાફરીમાં જ પસાર થઈ જાય છે. આવી સ્થિતિમાં કર્મચારીઓને પરિવાર સાથે પૂરતો સમય વિતાવવાની તક મળે તે હેતુથી કંપનીએ આ નિર્ણય લીધો હતો.

2019માં શરૂ થયેલી આ કંપની રજાના ઓછામાં ઓછા ત્રણ અઠવાડિયાં પહેલાં જ પોતાના ક્લાયન્ટ્સને તેની જાણ કરી દે છે, જેથી ટીમને અગાઉથી કામ પૂરું કરવાની પૂરતી તક મળી રહે.

યુનિકોર્ન, શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓ અને રોકાણ મેળવેલા સ્ટાર્ટઅપ્સ સાથે કામ કરતી આ કંપની રજાના સમયગાળા દરમિયાન નવા કામ લેવાનું ટાળે છે.

કુલશ્રેષ્ઠના જણાવ્યા અનુસાર, આ કોઈ એક વખતનો પ્રચાર મેળવવાનો પ્રયાસ નથી. કંપની છેલ્લા ઘણા વર્ષોથી આ રીતે રજાઓ આપે છે અને સોશિયલ મીડિયા પર મળતી લોકપ્રિયતા વિના પણ આ પરંપરા ચાલુ રાખવા માગે છે.