દેશભરમાં ધનતેરસ પર બજારોમાં મોટી ખરીદી જોવા મળી છે. મળતી માહિતી મુજબ આ વર્ષે સમગ્ર દેશમાં 1 લાખ કરોડ રૂપિયાનો વેપાર થયો છે. તેમાં 60,000 કરોડ રૂપિયાની સોના-ચાંદીની ખરીદી થઈ છે. જ્યારે દિલ્હીમાં જ સોના-ચાંદીની ખરીદી 10,000 કરોડ રૂપિયાથી વધારેની રહી છે.

ગયા વર્ષની તુલનામાં 25 ટકા વધારે વેપાર

સોના-ચાંદીની વધતી કિંમતો છતાં ગ્રાહકોએ પરંપરા નિભાવતા ઘરેણાં, સિક્કાઓ અને અન્ય વસ્તુઓની ખરીદી કરી છે. ગયા વર્ષે દિવાળીના સમયે સોનાનો ભાવ લગભગ 80,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો, જે આ વખતે વધીને 1,30,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી ગયો છે. ત્યારે ચાંદીની કિંમતો પણ 98,000 રૂપિયા પ્રતિ કિલોથી વધીને 1,80,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે. કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના રાષ્ટ્રીય મહામંત્રી અને દિલ્હીના ચાંદની ચોકના સાંસદ પ્રવિણ ખંડેલવાલે જણાવ્યું કે આ વર્ષે ધનતેરસ પર સમગ્ર દેશમાં સોના-ચાંદી સહિત અન્ય મહત્વપૂર્ણ વસ્તુઓનો કૂલ વેપાર 1 લાખ કરોડ રૂપિયા થયો હોવાનું અનુમાન છે. તેમને જણાવ્યું કે સોના-ચાંદીના ઘરેણાં, સિક્કાઓ અને અન્ય વસ્તુઓનો વેપાર 60,000 કરોડ રૂપિયા પાર કરી ગયો, ત્યારે દિલ્હીમાં આ વેપાર 10,000 કરોડ રૂપિયાથી વધારે થયો છે, જે ગયા વર્ષની તુલનામાં 25 ટકા વધારે છે.

GSTમાં ઘટાડાનો લોકોને મળ્યો લાભ

વધુમાં તેમને કહ્યું કે ધનતેરસ પર તાંબા, ચાંદી કે સ્ટીલના નવા વાસણો, રસોઈની વસ્તુઓ, સાવરણી અને પૂજા સામગ્રી ખરીદવી શુભ માનવામાં આવે છે. સાવરણી ખરીદવાથી ગરીબી દૂર થાય છે અને ઘરમાં સકારાત્મક ઊર્જા અને લક્ષ્મીજીનું આગમન સુનિશ્ચિત થાય છે. આધુનિક જમાનામાં લોકો મોબાઈલ, લેપટોપ, ટેબલેટ અને ઈલેક્ટ્રોનિક ઉપકરણ પણ શુભ માની ખરીદે છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે વેપારમાં વધારાના મુખ્ય કારણમાં GSTમાં ઘટાડો અને સ્વદેશી અપનાવવાનું આહ્વન રહ્યું છે. ગ્રાહકો સ્થાનિક અને દેશી ઉત્પાદકોને પ્રાથમિકતા આપી રહ્યા છે, જેનાથી નાના વેપારીઓ અને ઉત્પાદકોને લાભ મળ્યો. ખંડેલવાલે જણાવ્યું કે આ ધનતેરસ પર સોના-ચાંદી સિવાય વાસણ અને રસોઈનો સામાન 15,000 કરોડ, ઈલેક્ટ્રોનિક અને ઈલેક્ટ્રિકલ સામાન 10,000 કરોડ, સજાવટ, દીવા અને પૂજા સામગ્રી 3,000 કરોડ તથા ડ્રાયફ્રૂટ, ફળ, મીઠાઈ, વસ્ત્ર અને વાહન પર 12,000 કરોડ રૂપિયા ખર્ચ થયા.