બાળપણમાં ટીવી પર 'ડોરેમોન' કે 'શિનચાન' જોઈને મોટા થયેલા ભારતીયો માટે એક રોમાંચક સમાચાર સામે આવ્યા છે. ભારતમાં જાપાની એનાઇમ બજાર અત્યંત ઝડપથી વિસ્તરી રહ્યું છે. હવે જાપાની કંપનીઓ માત્ર ટીવી શો પૂરતી મર્યાદિત ન રહેતા ફિલ્મો, લાઇસન્સિંગ અને મર્ચેન્ડાઇઝિંગ દ્વારા ભારતીય બજારમાંથી મોટો નફો કમાવવાની રણનીતિ પર કામ કરી રહી છે.

જાપાની કન્ટેન્ટ કંપનીઓની સ્ટ્રેટેજી બદલાઇ

છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં જાપાની સામગ્રીનો ક્રેઝ બાળકોથી આગળ વધીને કિશોરો અને પુખ્ત વયના લોકોમાં પણ ભારે લોકપ્રિય બન્યો છે. આ વધતી લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને, મુખ્ય જાપાની કન્ટેન્ટ કંપનીઓએ તેમની બિઝનેસ સ્ટ્રેટેજી બદલી છે. અગાઉ આ કંપનીઓ માત્ર તૈયાર એનિમેશન પ્રોગ્રામ્સ ભારત મોકલતી હતી, પરંતુ હવે તેઓ પોતાના પ્રખ્યાત પાત્રોને ફિલ્મો અને પ્રોડક્ટ્સ દ્વારા ઘર-ઘર સુધી પહોંચાડવા માંગે છે. આનો અર્થ એ થયો કે હવે ડોરેમોન અને શિનચાન જેવા પાત્રો માત્ર ટીવી સ્ક્રીન પર જ નહીં, પરંતુ સિનેમાઘરોના પડદા પર અને તમારા કપડાં તેમજ સ્ટેશનરી પર પણ જોવા મળશે.

ટીવી શોથી લઈને સિનેમાઘરો સુધીની સફર

જાપાની મીડિયા નેટવર્ક 'ટીવી અસાહી' માટે ભારત સૌથી મહત્વપૂર્ણ બજારોમાંનું એક છે. આ કંપની ડોરેમોન, શિનચાન અને નીન્જા હાટ્ટોરી જેવા લોકપ્રિય શોના રાઇટ્સ ધરાવે છે. 'ટીવી અસાહી'ના વડા મૈકો સુમિદાના જણાવ્યા અનુસાર, ડોરેમોનને ભારતમાં 20 વર્ષ પૂરા થયા છે અને હવે કંપની તેને થિયેટરોમાં લાવવાની ખાસ યોજના બનાવી રહી છે. તાજેતરમાં પીવીઆર આઇનોક્સ પિક્ચર્સે ભારતમાં શિનચાનની ફિલ્મ રજૂ કરી હતી. હવે ટૂંક સમયમાં જ હિન્દી, તમિલ અને તેલુગુ ભાષામાં નવી ડોરેમોન ફિલ્મ "ન્યૂ નોબિતા એન્ડ ધ કેસલ ઓફ ધ અંડરસી ડેવિલ" સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

ડોરેમોન ફિલ્મોનું નિર્માણ કરનાર સ્ટુડિયો 'શિન-એઈ એનિમેશન' માટે પણ ભારત મુખ્ય બજાર છે. આ સ્ટુડિયો અત્યાર સુધીમાં 45 ડોરેમોન ફિલ્મો બનાવી ચૂક્યો છે અને તે પોતાની વધુમાં વધુ ફિલ્મો ભારતમાં રિલીઝ કરવા માટે ઉત્સુક છે.

વિશ્વનું ત્રીજું સૌથી મોટું એનાઇમ બજાર બન્યું ભારત

એનાઇમ ડેટા અનુસાર, જાપાન અને ચીન પછી ભારત હવે વિશ્વનું ત્રીજું સૌથી મોટું એનાઇમ જોનારું બજાર બની ગયું છે. ભારતમાં એનાઇમની પહોંચ 41 ટકા સુધી પહોંચી ગઈ છે, અને લગભગ 79 ટકા ભારતીય દર્શકોએ એનાઇમ-સંબંધિત પ્રોડક્ટ્સ પર પૈસા ખર્ચ્યા છે. ગત વર્ષે ભારતમાં રિલીઝ થયેલી 'ડેમન સ્લેયર' ફિલ્મે શાનદાર કમાણી કરી હતી. જિયો હોટસ્ટાર, નેટફ્લિક્સ, પ્રાઇમ વિડિયો અને ક્રંચાયરોલ જેવા OTT પ્લેટફોર્મ્સ પર પણ એનાઇમ કન્ટેન્ટની માંગ ખૂબ વધી ગઈ છે. આગામી સમયમાં જાપાની કંપનીઓ આ અબજો ડૉલરના માર્કેટમાં મર્ચેન્ડાઇઝિંગ દ્વારા પોતાનો પગદંડો વધુ મજબૂત કરવા જઈ રહી છે.

આ પણ વાંચોઃ ચીન સામે ભારતનો ‘પાવર પ્લે’!ચીન બનાવતું રહ્યુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ભારતે પલટી મારી બાજી