કેરળ સ્થિત વિઝિન્ઝમ ઈન્ટરનેશનલ સીપોર્ટે દરિયાઈ વેપાર ક્ષેત્રમાં વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. બુધવારે બંદરે તેના 1000મા કોમર્શિયલ જહાજનું સ્વાગત કર્યું હતું. MSC Luciana નામનું મધરશિપ સાંજે લગભગ 4:30 વાગ્યે બંદરે પહોંચ્યું, જે આ ઐતિહાસિક સિદ્ધિનું પ્રતિક બન્યું.


1000 કોમર્શિયલ જહાજોની અવરજવરનો આંકડો પાર

આ સિદ્ધિ સાથે વિઝિન્ઝમ બંદર વિશ્વના એવા બંદરોમાં સામેલ થઈ ગયું છે, જેણે કામગીરી શરૂ કર્યા પછી બે વર્ષથી પણ ઓછા સમયમાં 1000 કોમર્શિયલ જહાજોની અવરજવરનો આંકડો પાર કર્યો છે. બંદરની ઝડપી વૃદ્ધિ અને આધુનિક સુવિધાઓને કારણે આંતરરાષ્ટ્રીય શિપિંગ કંપનીઓનો વિશ્વાસ સતત વધી રહ્યો છે.

પ્રથમ કોમર્શિયલ જહાજ 2024માં આવ્યું હતું 

વિઝિન્ઝમ બંદરે તેનું પ્રથમ કોમર્શિયલ જહાજ San Fernando 11 જુલાઈ, 2024ના રોજ આવકાર્યું હતું. ત્યારબાદ 3 ડિસેમ્બર, 2024થી બંદરે સંપૂર્ણ વ્યાવસાયિક કામગીરી શરૂ કરી હતી. ટૂંકા ગાળામાં જ બંદરે વૈશ્વિક ટ્રાન્સશિપમેન્ટ હબ તરીકે પોતાની મજબૂત ઓળખ ઉભી કરી છે. ભારતના દક્ષિણ છેડે આવેલા આ ડીપ-વોટર બંદરની વિશેષતા એ છે કે અહીં મોટા કદના કન્ટેનર જહાજો સરળતાથી લંગર નાખી શકે છે. જેના કારણે આંતરરાષ્ટ્રીય વેપાર અને લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં તેની મહત્વપૂર્ણ ભૂમિકા બની રહી છે.

વિઝિન્ઝમ માટે વિકાસના નવા દ્વાર ખુલ્યા

બંદર સત્તાધીશોના જણાવ્યા મુજબ 1000મા જહાજના આગમન સાથે વિઝિન્ઝમ માટે વિકાસના નવા દ્વાર ખુલ્યા છે. આગામી સમયમાં વધુ શિપિંગ લાઈન્સ અને વૈશ્વિક વેપાર રૂટ્સ સાથે જોડાણ વધતા બંદર ભારતના સમુદ્રી વેપારનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની શકે છે. આ સિદ્ધિ ભારતના બંદર વિકાસ અને વૈશ્વિક વેપાર ક્ષેત્રમાં વધતી હાજરીનું પ્રતિબિંબ માનવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Air India Flight: એયર ઇન્ડિયાનું વિમાન પાકિસ્તાની એરસ્પેસમાં પ્રવેશ્યુ, બાદમાં દિલ્હી ડાયવર્ટ કરાયું


  • Follow us on: