મંત્રીઓ દ્વારા જાહેર કરવામાં આવેલી સંપત્તિની માહિતી પરથી જાણવા મળી રહ્યું છે કે ઘણા મંત્રીઓને શેરબજારમાં રોકાણ કરવું પસંદ નથી. તેના બદલે તેઓ FD, જમીન અને પશુધન જેવા વિકલ્પોમાં રોકાણ કરવાનું પસંદ કરે છે.

મોદી કેબિનેટના મંત્રીઓએ નાણાકીય વર્ષ 2025-26 માટે પોતાની સંપત્તિ જાહેર કરી છે. જાહેર કરવામાં આવેલી સંપત્તિના વિશ્લેષણ પરથી જાણવા મળે છે કે કેબિનેટના અડધાથી વધુ મંત્રીઓને શેરબજારમાં રોકાણ કરવાનું ખાસ પસંદ નથી. તેઓ ફિક્સ્ડ ડિપોઝિટ, જમીન, ઘરેણાં અને જેવા પરંપરાગત અને સુરક્ષિત વિકલ્પોમાં પૈસા લગાવવાનું પસંદ કરે છે.

FD છે સૌથી પસંદગીનો વિકલ્પ

નાણાકીય વર્ષ 2025-26 માટે મંત્રીઓ દ્વારા જાહેર કરવામાં આવેલી સંપત્તિની માહિતી મુજબ, કેબીનેટના 30માંથી 8 મંત્રીઓએ માત્ર FDમાં રોકાણ કર્યું છે. શેરબજારમાં તેમનું કોઈ રોકાણ નથી. બીજી તરફ, 15 મંત્રીઓએ બજારમાં રોકાણ કર્યું છે. તેમાંથી 5 મંત્રીઓના પૈસા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાયેલા છે.

રક્ષામંત્રી રાજનાથ સિંહ, આરોગ્યમંત્રી જે.પી. નડ્ડા, વિદેશમંત્રી એસ. જયશંકર, આવાસ અને શહેરી બાબતોના મંત્રી મનોહર લાલ, પંચાયતી રાજ મંત્રી રાજીવ રંજન સિંહ, નાગરિક ઉડ્ડયન મંત્રી કે. આર. નાયડુ, જનજાતીય બાબતોના મંત્રી જુઆલ ઓરામ અને કાપડ મંત્રી ગિરિરાજ સિંહ જેવા અનેક વરિષ્ઠ નેતાઓએ માત્ર FDમાં રોકાણ કર્યું છે. શેરબજારમાં તેમનું કોઈ રોકાણ નથી.

કોણે ક્યાં રોકાણ કર્યું છે?

એસ. જયશંકરે ₹5.59 કરોડની FD અને સરકારી કંપની IRFCના બોન્ડમાં ₹50 લાખનું રોકાણ કર્યું છે. આ રીતે તેમણે પોતાનું મોટાભાગનું રોકાણ સુરક્ષિત વિકલ્પોમાં રાખ્યું છે.

જે.પી. નડ્ડાના રોકાણમાં સોનું, કાર અને રિયલ એસ્ટેટનો સમાવેશ થાય છે. પોતાનું ઘર બનાવવા માટે તેમણે બેંક લોન અને પોતાની બચતનો ઉપયોગ કર્યો હતો.

અમિત શાહે ક્યાં રોકાણ કર્યું છે?

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના સોગંદનામામાં ₹2.23 કરોડ લિસ્ટેડ સિક્યોરિટીઝ અને ₹3.07 લાખ નોન-લિસ્ટેડ સિક્યોરિટીઝમાં રોકાણ કર્યાની માહિતી આપી છે.

લિસ્ટેડ સિક્યોરિટીઝ એટલે NSE અને BSE જેવા માન્ય શેરબજારમાં નોંધાયેલા નાણાકીય સાધનો. જ્યારે નોન-લિસ્ટેડ સિક્યોરિટીઝ કોઈ જાહેર શેરબજારમાં નોંધાયેલી હોતી નથી.

તેમની જેમ વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પીયૂષ ગોયલે પણ લિસ્ટેડ સિક્યોરિટીઝમાં ₹9.70 કરોડ અને નોન-લિસ્ટેડ સિક્યોરિટીઝમાં ₹1.01 લાખનું રોકાણ કર્યું છે.

આ મંત્રીઓએ કર્યું શેરબજારમાં રોકાણ

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલે અદાણી પાવર, ગુજરાત અલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ જેવી લિસ્ટેડ કંપનીઓના શેર ખરીદ્યા છે.

તેમનું રોકાણ કેટલીક નોન-લિસ્ટેડ કંપનીઓમાં પણ છે. તેમાં શ્રી સાઈ આશિષ ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ મિલ્સ પ્રાઇવેટ લિમિટેડ, શ્રી સાઈ પ્રકાશન પ્રાઇવેટ લિમિટેડ અને અવનીપ સિલ્ક મિલ્સ પ્રાઇવેટ લિમિટેડનો સમાવેશ થાય છે.

મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ ONGCના 540 શેર ખરીદ્યા છે, જેની કિંમત ₹1.33 લાખ છે. તેમની પાસે SBIના 1,500 શેર છે, જેની કિંમત ₹15.65 લાખ છે. તેમની પાસે JIO FINના 24 શેર છે, જેની કિંમત ₹5,826 છે. રિલાયન્સના 48 શેરની કિંમત ₹63,792 છે અને રિલાયન્સ પાવરના 27 શેરની કિંમત ₹661.77 છે.

આ ઉપરાંત તેમણે 5 FD પણ કરાવી છે, જેની કુલ કિંમત ₹28.25 લાખ છે.