મુંબઈ-પુણે એક્સપ્રેસવેના નવા કનેક્ટિંગ લિંક પર હવે તમામ પ્રકારનાં વાહનોને પ્રવેશ મળશે નહીં. મહારાષ્ટ્ર હાઇવે પોલીસે આ માર્ગ પર માલસામાનની હેરફેર કરતાં વાહનોની અવરજવર પર કાયમી પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. આ નિયમ 1 નવેમ્બરથી લાગુ થશે. ટનલની રચના અને ટેકનિકલ બાબતોને ધ્યાનમાં રાખીને મુસાફરોની સુરક્ષા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ખાસ વાત એ છે કે આ પ્રતિબંધમાં નાનાં વ્યાવસાયિક વાહનો, પિકઅપ વૅન અને ટાટા એસ જેવા વાહનોનો પણ સમાવેશ થાય છે. જોકે, ખાનગી કાર અને મુસાફરોને લઈ જતી બસોને આ માર્ગ પરથી પસાર થવાની મંજૂરી આપવામાં આવશે. મહારાષ્ટ્ર હાઇવે પોલીસ દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ, મુંબઈ-પુણે એક્સપ્રેસવેની કનેક્ટિંગ લિંક પર માલવાહક વાહનોની અવરજવર સંપૂર્ણપણે પ્રતિબંધિત રહેશે.

ટ્રાફિક વિભાગના અધિક પોલીસ મહાનિર્દેશક પ્રવીણ સાલુંખેએ આ અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે. આ કનેક્ટિંગ લિંકને અગાઉ 'મિસિંગ લિંક' તરીકે ઓળખવામાં આવતી હતી. નવા નિયમો 1 નવેમ્બરથી અમલમાં આવશે અને આગામી આદેશ સુધી અમલમાં રહેશે.

આ વાહનોને મળશે મંજૂરી

નવા નિયમો હેઠળ ખાનગી કાર, જીપ અને અન્ય હળવાં બિનવ્યાવસાયિક વાહનો આ કનેક્ટિંગ લિંકનો ઉપયોગ કરી શકશે. મુસાફરોને લઈ જતી બસો અને અન્ય યાત્રી વાહનોને પણ અહીંથી પસાર થવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે, માલસામાનની હેરફેર કરતાં તમામ વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમાં નાનાં વ્યાવસાયિક વાહનો, પિકઅપ વૅન અને ટાટા એસ જેવાં વાહનોનો પણ સમાવેશ થાય છે.

આ ઉપરાંત, જ્વલનશીલ પદાર્થો, વિસ્ફોટકો અથવા અન્ય જોખમી સામગ્રી લઈ જતાં વાહનોને પણ આ માર્ગ પરથી પસાર થવાની મંજૂરી નહીં મળે. આવા વાહનોએ મુંબઈ-પુણે એક્સપ્રેસવેના જૂના માર્ગનો ઉપયોગ કરવો પડશે.

વાહનોની ઝડપમર્યાદા પણ નક્કી કરાઈ

કનેક્ટિંગ લિંક પર ચાલતાં વાહનો માટે મહત્તમ ઝડપમર્યાદા પણ નક્કી કરવામાં આવી છે. ખાનગી કાર અને અન્ય હળવાં મોટર વાહનો માટે મહત્તમ ઝડપ 100 કિલોમીટર પ્રતિ કલાક રાખવામાં આવી છે. જ્યારે મુસાફરોને લઈ જતી બસો અને અન્ય યાત્રી વાહનો મહત્તમ 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જ ચલાવી શકાશે.

વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર, ટનલની રચના અને તેની ટેકનિકલ વિશેષતાઓને ધ્યાનમાં રાખીને આ પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે. તેનો મુખ્ય હેતુ આ માર્ગ પરથી મુસાફરી કરતા લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. તેથી 1 નવેમ્બરથી મુંબઈ-પુણે એક્સપ્રેસવેની આ નવી કનેક્ટિંગ લિંકનો ઉપયોગ કરનારા વાહનચાલકોએ મુસાફરી પહેલાં નવા નિયમોની જાણકારી મેળવી લેવી જરૂરી છે.